• શનિવાર, 26 સપ્ટેમ્બર, 2026

યુપીઆઇ પેમેન્ટના ચાર્જ સામે ઠેર ઠેર ભારે વિરોધનો સૂર

વેપારીઓ UPI સ્વીકારવાની ના પાડવા લાગ્યા: લોકોને ટેવ પાડીને પાછલા બારણે ચાર્જ ઘૂસાડાતા નારાજગી

રાજકોટ,તા.25(ફૂલછાબ ન્યૂઝ) યુપીઆઇ મારફતે રૂ. 2થી 75 હજાર સુધીના પેમેન્ટ પર એમડીઆર વસૂલવાની સરકારની દરખાસ્ત સામે વેપારીઓ તરફથી વિરોધનું રણાશિંગું ફૂંકાયું છે. એક તરફ રિટેલ અને હોલસેલ વેપારીઓને એમડીઆરમાંથી સંપુર્ણ બાકાત રાખવાની માગ થઇ છે. બીજી તરફ ઉપલેટા સહિતના નાના મોટાં શહેરના વેપારીઓએ યૂપીઆઇથી પેમેન્ટ ન સ્વીકારવા જાહેરાત કરી છે. નાનાથી મોટાં અનેક ગામોમાં અનેક વેપારીઓ વ્યક્તિગત રીતે આ સિસ્ટમથી અળગા થવા લાગ્યા છે. સરકારે ડિજીટલ પેમેન્ટને ભરપૂર પ્રોત્સાહન આપીને લોકોની જીવનશૈલી બનાવી દીધાં પછી પાછલા બારણે ચાર્જ વસૂલતા હવે ઠેર ઠેર વિરોઘ ઉઠયો છે.

ગુજરાત ટ્રેડર્સ ફેડરેશને કહ્યું કે, યુપીઆઇ ભારતની ગૌરવપૂર્ણ ડિજિટલ સિદ્ધિ છે અને વેપારી સમુદાયે તેના વ્યાપક સ્વીકારમાં મહત્વની ભૂમિકા ભજવી છે. પરંતુ કરોડો વેપારીઓ પાસેથી લાખો-કરોડો નાના વ્યવહારો પર એમડીઆર વસૂલવાથી માત્ર નાણાકીય બોજ જ નહીં, પરંતુ ટ્રાન્ઝેક્શન-વાઇઝ કપાત, હિસાબ, રિકન્સિલિયેશન, રિવર્સલ અને ફરિયાદો માટે વિશાળ વહીવટી વ્યવસ્થા ઊભી કરવી પડશે. જે જટિલ છે.

ફેડરેશને કહ્યું છેકે, સરકારે  બેન્કો, પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર્સ અને યુપીઆઇના અન્ય મોટા લાભાર્થીઓ પાસેથી તેમના ટ્રાન્ઝેક્શન વોલ્યુમ/વેલ્યુના આધારે યોગદાન માગવું જોઇએ.  મોટા સંસ્થાકીય, કોર્પોરેટ, બલ્ક અને હાઇ-વેલ્યુ ઓટોમેટેડ વ્યવહારો પર સિસ્ટમ દ્વારા જ કેન્દ્રિય અને સ્વચાલિત નાનું યોગદાન લેવાવું જોઇએ.

આમ થતાં કરોડો વેપારીઓ પાસેથી નાના-નાના ચાર્જ વસૂલવાની જગ્યાએ મર્યાદિત સંસ્થાકીય સ્તરે કેન્દ્રિય વસૂલાત થઈ શકે છે, જે વધુ સરળ અને ઓછા વહીવટી ખર્ચવાળી બની શકે છે.

વેપારીઓ પર યુપીઆઇ  સ્વીકારવાનો વધારાનો ખર્ચ મૂકવો યોગ્ય નથી. રિટેલ અને હોલસેલ વેપારીઓને પ્રસ્તાવિત યુપીઆઇ એમડીઆર વ્યવસ્થામાંથી સંપૂર્ણપણે બાકાત રાખવામાં આવે તે જરુરી છે. અન્યથા નો યુપીઆઇની ઝુંબેશ વધુ વેગવાન બની શકે છે.

એમડીઆરનો વિરોધ શા માટે છે ?

-નાના-મધ્યમ વેપારીઓના નફાના માર્જિન પર અસર

-ડિજીટલ પેમેન્ટ નિ:શુલ્ક રહેવાના સરકારના વચનનો ભંગ

-ગ્રાહકો પર ટ્રાન્સફર કરવાની મનાઇથી વેપારી પર બોજ

-વિવિધ ક્ષેત્રો માટે જુદા નિયમથી જાટિલતા સર્જાય છે

-રોકડ વ્યવહાર અને ટૂકડા બિલને પ્રોત્સાહન

-ગ્રાહક સાથે ઘર્ષણ થવાની શક્યતા

-ગ્રાહક રિફંડ માગે ત્યારે યુપીઆઇ વ્યવહારમાં મુશ્કેલી

 

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક