94 માર્ક્સ મેળવનાર ઉમેદવારની અરજી પર ગૃહ વિભાગ અને DGPને નોટિસ; 29 સપ્ટેમ્બર સુધી જવાબ આપવા આદેશ
અમદાવાદ,
તા. 25: ગુજરાત પોલીસ બોર્ડ દ્વારા હાથ ધરાયેલી વર્ગ-3ની ભરતીમાં ત્રીજી જાતિ (ટ્રાન્સજેન્ડર)ના
ઉમેદવારો માટે સ્વતંત્ર કેટેગરી બનાવીને રોજગારી આપવાની માગ સાથે ગુજરાત હાઈકોર્ટમાં
એક જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. આ મુદ્દાને ગંભીરતાથી લઈને વડી અદાલતે રાજ્યના
ગૃહ વિભાગ તેમજ પોલીસ મહાનિર્દેશક (ડીજીપી)ને નોટિસ પાઠવીને 29 સપ્ટેમ્બર સુધીમાં પોતાનો
સ્પષ્ટ પક્ષ રજૂ કરવા આદેશ કર્યો છે.
આ
મામલાના 35 વર્ષીય અરજદાર ભાવનગરના નિવાસી છે અને તેમણે ટ્રાન્સજેન્ડર પર્સન્સ એક્ટ,
2019 અંતર્ગત કલેક્ટર દ્વારા આપવામાં આવેલું ઓળખ પ્રમાણપત્ર મેળવેલું છે. જોકે, તેમના
કાગળોમાં ઓળખ મહિલા તરીકે દર્શાવાયેલી હોવાથી તેમજ ભરતી ફોર્મમાં માત્ર પુરુષ અને મહિલાના
જ વિકલ્પો ઉપલબ્ધ હોવાથી, ડીજીપી કચેરીની સલાહ મુજબ તેમણે મહિલા કેટેગરીમાં અરજી કરી
હતી. અરજદારે શારીરિક કસોટી સફળતાપૂર્વક પાસ કર્યા બાદ લેખિત પરીક્ષામાં 94 માર્ક્સ
મેળવ્યા હતા, જ્યારે એસઇબીસી મહિલા કેટેગરીનું કટ-ઓફ 98.5 માર્ક્સે અટક્યું હતું.
11 જુલાઈના રોજ જાહેર થયેલા મેરિટ લિસ્ટ બાદ તેમણે પોતાની ઉમેદવારી સામાન્ય પુરુષ કે
મહિલાને બદલે ત્રીજી જાતિની વિશિષ્ટ કેટેગરીમાં ગણવા સત્તાધીશોને લેખિત રજૂઆત કરી હતી,
પરંતુ કોઈ પ્રત્યુત્તર ન મળતાં આખરે તેમણે અદાલતના દરવાજા ખખડાવ્યા હતા.
અરજીમાં
આક્ષેપ કરવામાં આવ્યો છે કે વર્તમાન ભરતીમાં ટ્રાન્સજેન્ડર ઉમેદવારો માટે કોઈ અલગ જોગવાઈ
ન હોવી એ બંધારણના અનુચ્છેદ 14 હેઠળ મળેલા સમાનતાના મૂળભૂત અધિકારનો ભંગ છે. તદુપરાંત,
સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક નાલ્સા ચુકાદાના નિર્દેશો મુજબ ટ્રાન્સજેન્ડર સમુદાયે સામાજિક
કલંક અને મુશ્કેલીઓનો સામના કરવો પડતો હોવાથી તેમને વિશેષ માપદંડ અને અનામત મળવું જરૂરી
છે.
અરજદારે
અન્ય રાજ્યોના ઉદાહરણો ટાંકીને પોતાની સાથે જાતિના આધારે ભેદભાવ થયો હોવાનો દાવો કર્યો
છે. તેમણે આગામી 30 સપ્ટેમ્બરે યોજાનારી ડોક્યુમેન્ટ વેરિફિકેશન પ્રક્રિયામાં પોતાને
સામેલ કરવા દેવાની વિનંતી કરી છે, જેના અનુસંધાને હાઈકોર્ટે ઓથોરિટી પાસેથી ટૂંક સમયમાં
સ્પષ્ટતા માગી છે.