હિંમતનગરના ડોલગઢ પાટિયા નજીક ગંભીર અકસ્માત સર્જાયો, પદયાત્રીઓની સુરક્ષાને લઈને લોકોમાં આક્રોશ ભભૂક્યો
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ, તા.21: ભાદરવી પૂનમના
મહામેળામાં પગપાળા અંબાજી જઈ રહેલા પદયાત્રીઓને હિંમતનગરના ડોલગઢ પાસે ગંભીર અકસ્માત
નડયો છે. ડોલગઢ પાટીયા નજીક એક સફેદ રંગની કારે 12 જેટલા પદયાત્રીઓને અડફેટમાં લેતા
તેમને ગંભીર ઈજાઓ પહોંચી હોવાની વિગતો છે. અકસ્માતને પગલે પદયાત્રા રૂટ પર ઈજાગ્રસ્ત
લોકોના સ્વજનો આક્રંદ કરવા લાગ્યા હતા અને ભારે ગમગીન માહોલ સર્જાયો હતો. કારચાલકને
પકડીને ટોળાએ બરોબરનો મેથિપાક ચખાડયો હતો અને બાદમાં કારને આગચાંપી દીધી હતી. આ સમગ્ર
ઘટનાને પગલે પોલીસે તાત્કાલિક સ્થળ પર દોડી જવાની ફરજ પડી હતી. હાલમાં કારચાલકને ઝડપીને
પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઘાયલ પદયાત્રીઓને સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલ
ખસેડવામાં આવ્યા છે.
હિંમતનગર-ઇડર હાઈવે પર ડોલગઢ
પાટિયા પાસે પૂરપાટ ઝડપે એક સફેદ રંગની કારના ચાલકે અંબાજી જતા પદયાત્રીઓને જોરદાર
ટક્કર મારી હતી. અકસ્માતમાં 12 પદયાત્રીને ઈજા પહોંચી હોવાની પ્રાથમિક માહિતી મળી છે.
કારની ટક્કરથી કેટલાક લોકો હવામાં જ ઉલળીને નીચે પટકાયા હતા જેથી તેમને શરીર, હાથ અને
માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે થોડીવાર માટે હાઈવેના માર્ગ પર ટ્રાફિક
જામ થઈ ગયો હતો. આ ઘટનાને પગલે હાજર લોકોનું ટોળું આક્રોશમાં આવી ગયું હતું અને કારને
આગચાંપી દેતા ભડભડ સળગી ઉઠી હતી. કારચાલક અકસ્માત સર્જીને ભાગવા જતો હોય લોકોએ તેને
પકડી લીધો હતો.
ઉલ્લેખનીય છે કે અંબાજી જતા પદયાત્રીઓની
સુવિધા માટે ફોર લેન હાઈવે પર જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હોવા છતાં બેફામ રીતે વાહનો
દોડી રહ્યા છે. પદયાત્રીઓને ચાલવાના રૂટ પર ગાડી હંકારીને કાર ચાલકે જાહેરનામાનો પણ
ભંગ કર્યો હોય લોકોમાં પોલીસ દ્વારા પગપાળા યાત્રીકોની સુરક્ષા માટે યોગ્ય કાર્યવાહી
કરવામાં આવે તેવી માગ ઉઠી છે.