પાડોશીઓ
સાથે થયેલી બોલાચાલીની અદાવતમાં તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી એક યુવકનો ભોગ લેવાયો
: પોલીસ તપાસ શરૂ
ભાવનગર,તા.12:ભાવનગર
જિલ્લાના પાલિતાણાના ભીલવાસ વિસ્તારમાં અગાસી પર બેસવાની સામાન્ય બાબતે થયેલી બોલાચાલી
અને મનદુ:ખને કારણે લોહિયાળ ખેલ ખેલાયો હતો, જ્યાં પાડોશમાં રહેતા શખસોએ તીક્ષ્ણ હથિયારો
વડે હુમલો કરી એક યુવકની ઘાતકી હત્યા કરી નાખી હતી અને મૃતકના ભાઈને ગંભીર ઈજાઓ પહોંચાડતા
તેમને સારવાર અર્થે ભાવનગર ખસેડવામાં આવ્યા છે.
આ દુર્ઘટના અંગે મળતી વિગતો મુજબ મોડાસા ખાતે
મજૂરી કરતા કલાભાઈ મગનભાઈ વાઘેલા અને તેમના ભાઈ અજયભાઈ વાઘેલા દશામાના વ્રત નિમિત્તે
પોતાના વતન આવ્યા હતા, જ્યાં રાત્રે અજયભાઈ અગાસી પર બેઠા હોવાથી પાડોશી લખુભાઈ રામજીભાઈ
અને તેમના પુત્રો કાળુભાઈ લખુભાઈ, ડાયાભાઈ લખુભાઈ, રોહિતભાઈ લખુભાઈ તથા રાજેશભાઈ લખુભાઈ
ઉશ્કેરાઈને ઘરમાં ઘૂસી આવ્યા હતા અને કાળુભાઈ લખુભાઈ સહિતના શખસોએ છરી તેમજ અન્ય હથિયારો
વડે હુમલો કરી અજયભાઈની હત્યા કરી નાખી હતી તેમજ કલાભાઈ મગનભાઈ વાઘેલાને ગંભીર ઈજાઓ
પહોંચાડતા પાલીતાણા ટાઉન પોલીસે પાંચેય આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.