103
હેક્ટર વિસ્તારમાં રૂ 542.14 કરોડના અંદાજિત ખર્ચે
‘ડેઝર્ટ
ઝૂઓલોજિકલ પાર્ક અને નાઇટ સફારી’ વિકસાશે
પ્રાણી
સંગ્રહાલય ભારતીય રણ અને આફ્રિકન રણના પ્રાણીઓ જેવી 83 પ્રજાતિના 2700 જેટલા દેશી અને
વિદેશી પશુ-પક્ષી, પ્રાણીનું ઘર બનશે
(અમારા
પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ,
તા. 12: બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે આકાર લઈ રહેલા ડેઝર્ટ ઝૂઓલોજિકલ પાર્ક અને નાઇટ
સફારી પ્રોજેક્ટને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી તરફથી મંજૂરી મળી છે. જૂના ડીસા ખાતે આશરે
103 હેક્ટર વિસ્તારમાં 542.14 કરોડના અંદાજિત ખર્ચે આ પ્રોજેક્ટ વિકસાવવામાં આવશે.
એશિયાનું પ્રથમ ડેઝર્ટ થીમ આધારિત ઝૂ તરીકે વિકસાવવામાં આવનાર આ પ્રોજેક્ટમાં આધુનિક
સંરક્ષણ સુવિધાઓ સાથે વિશ્વકક્ષાની ડ્રાઇવ-થ્રુ નાઇટ સફારીનું આયોજન કરવામાં આવ્યું
છે.
વન
અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, વન અને પર્યાવરણ વિભાગનાં
રાજયમંત્રી પ્રવિણ માળીનાં મતવિસ્તારમાં આ પ્રોજેક્ટ આકાર લઇ રહ્યો છે અને આ ઝુઓલોજિકલ
પાર્ક તેમનો ડ્રીમ પ્રોજેક્ટ છે. આ પ્રાણીસંગ્રહાલયને એક આધુનિક સંરક્ષણ સુવિધા તરીકે
ડિઝાઇન કરવામાં આવ્યું છે. જેમાં લગભગ 83 પ્રજાતિઓના આશરે 2700 દેશી અને વિદેશી પ્રાણી-પક્ષીઓને
રાખવામાં આવશે. આ પ્રોજેક્ટ મુલાકાતીઓને વન્યજીવોના અનોખા અનુભવોની સાથે સાથે સંરક્ષણ,
પ્રજનન, વન્યજીવ રેસ્ક્યૂ, પુનર્વસન, પર્યાવરણીય શિક્ષણ અને કુદરતના વૈજ્ઞાનિક અર્થઘટન
માટેના કેન્દ્ર તરીકે પણ કામ કરશે. ડીસા ખાતે બની રહેલુ આ ઝૂ એશિયાનું પ્રથમ ડેઝર્ટ
થીમ આધારિત ઝૂ હશે. વિશ્વનું આ પ્રકારનું ત્રીજુ ડેઝર્ટ-થીમ ઝૂ હશે અને વિશ્વનું ચોથું
નાઇટ સફારી ઝૂ બનશે.
રાજ્યમંત્રી
પ્રવીણ માળીએ જણાવ્યું હતુ કે, આ પ્રોજેક્ટનું મુખ્ય આકર્ષણ તેની વિશ્વકક્ષાની નાઇટ
સફારી હશે. જ્યાં મુલાકાતીઓ સૂર્યાસ્ત પછી ખાસ ડિઝાઇન કરાયેલા એન્ક્લોઝરમાં નિશાચર
પ્રાણીઓને જોઈ શકશે. આ પ્રોજેક્ટમાં એક અલગ ‘ડે ઝૂ’ (દિવસનું પ્રાણીસંગ્રહાલય) અને
નાઇટ સફારી માટેના પાંચ સમર્પિત એન્ક્લોઝર હશે.
અગ્ર
મુખ્ય વન સંરક્ષક (વન્યજીવ) અને ચીફ વાઇલ્ડલાઇફ વોર્ડન ડો. જયપાલ સિંઘે જણાવ્યું હતું
કે, આ પ્રાણીસંગ્રહાલયમાં ચિંકારા, કાળિયાર, ભારતીય ઘૂડખર, એશિયાટીક સિંહ અને દીપડા
જેવા પ્રાણીઓને રાખવામાં આવશે.
ગાંધીનગર
વાઇલ્ડલાઇફ સર્કલના મુખ્ય વન સંરક્ષક આરાધના સાહૂએ જણાવ્યું હતું કે, પર્યાવરણીય અસરોને
ઘટાડવા માટે આ પ્રોજેક્ટમાં વર્ષાજળ સંચય, સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ
સિસ્ટમ, સોલર એનર્જી, સ્થાનિક વનસ્પતિઓનું વાવેતર અને ગ્રીન બફર ઝોન જેવી ગ્રીન ટેકનોલોજીનો
ઉપયોગ કરવામાં આવશે.
બનાસકાંઠા વાઇલ્ડલાઇફ ડિવિઝનના નાયબ વન સંરક્ષક પોપટરાવ
ગારડીએ જણાવ્યું હતું કે, વડનગર, અંબાજી અને નડાબેટ જેવા પ્રવાસન સ્થળોની સાથે આ પ્રાણીસંગ્રહાલય
પણ એક મુખ્ય પ્રવાસી આકર્ષણ બની રહેશે.
આ પ્રાણી
સંગ્રહાલયમાં રણની કઈ પ્રજાતિને રખાશે ?
આ પ્રાણી
સંગ્રહાલયમાં ભારતીય રણના પ્રાણીઓ જેવા કે, શાહુડી. સસલુ, શેળો, ડેઝર્ટ હેર, ભારતીય
ઘૂડખર, રીંછ, કેરેકલ, ભારતીય વરુ, શિયાળ, ઝરખ, ભારતીય રણ લોમડી જેવા પ્રાણીઓ રાખવામાં
આવશે. આ ઉપરાંત, પ્રોજેક્ટના અન્ય મુખ્ય આકર્ષણોમાં રેપ્ટાઇલ સફારી, રેઇન ફોરેસ્ટ બાયોમ
અને એક્વેરિયમનો પણ સમાવેશ થાય છે.
આફ્રિકન
રણના પ્રાણીઓ મુખ્ય આકર્ષણ રહેશે
આફ્રિકન
રણના પ્રાણીઓ એંગોલન જિરાફ, ગ્રેવીઝ ઝેબ્રા, સિમિતાર ઓરિક્સ, આફ્રિકન કુડુ પ્રિગબોક,
અદ્રા ગેઝેલ, બ્લેક રાઇનોસરોસ, ચિમ્પાન્ઝી, મીરકાટ, આફ્રિકન ચિત્તો, આફ્રિકન સિંહ,
ફેનેક ફોક્સ, બેટ-ઇયર્ડ ફોક્સ અને શાહમૃગનો સમાવેશ થાય છે. આ સિવાય, ઓસ્ટ્રેલિયન રણના
પ્રાણીઓ જેવા કે કાંગારૂ, એમુ અને વોલાબી પણ મુલાકાતીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર
બનશે.