• ગુરુવાર, 13 ઑગસ્ટ, 2026

જંતરમંતર પ્રદર્શન પર જવાબ દેવા તૈયાર છું : શાહ

-ગૃહમંત્રીએ લોકસભા સ્પીકર ઓમ બિરલાને પત્ર લખી, સમય નક્કી કરવા અપીલ કરી, રાહુલના પ્રહાર : ભાષણ નથી સાંભળવું

નવી દિલ્હી, તા. 12 : નીટ પેપર લીક વિરુદ્ધ જંતરમંતર પર છાત્રોના પ્રદર્શન વખતે પોલીસ કાર્યવાહી અંગે ગૃહમંત્રી સંસદમાં આવીને જવાબ આપો, તેવી વિપક્ષી માંગ વચ્ચે દેશના ગૃહમંત્રી અમિત શાહે બુધવારે જણાવ્યું હતું કે, આ મુદ્દે ચર્ચા માટે તૈયાર છું અને વિપક્ષી ઉઠાવેલા પ્રત્યેક સવાલોના જવાબ આપવા પણ મારી તૈયારી છે.

ગૃહમંત્રીએ આજે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને પત્ર લખ્યો હતો. પત્રમાં શાહે છાત્ર પ્રદર્શન મુદ્દે ચર્ચા માટે સમય નક્કી

કરવાની માગણી કરી હતી.

મારી સ્પીકરને અપીલ છે કે, વિપક્ષ સાથે વાત કરીને આપસી સહમતીથી આ મુદ્દે ચર્ચા માટે જેટલા કલાક કે દિવસ યોગ્ય લાગે, તે નિર્ધારિત કરે, હું એ નિયમ સમય દરમ્યાન ગૃહમાં હાજર રહીશ, તેવું તેમણે બિરલાને પત્રમાં જણાવ્યું હતું.

અગાઉ, સંસદની બહાર પત્રકારો સાથે વાતચીતમાં ગૃહપ્રધાને કહ્યું હતું કે, સરકાર તો દરેક મુદ્દા પર ચર્ચા કરવા માટે તૈયાર છે, પરંતુ વિપક્ષ ગૃહને ચાલવા દે.

બીજીતરફ, લોકસભામાં વિપક્ષના નેતાની ભૂમિકા ભજવતા રાહુલા ગાંધીએ કહ્યું હતું કે, અમારે શાહનું લેક્ચર (ભાષણ) સાંભળવું નથી.

પહેલાં એ બતાવો કે, જંતરમંતર પર પ્રદર્શન કરી રહેલા દેખાવ કરનાર છાત્રો પર ગોળીઓ છોડવાનો આદેશ કોણે આપ્યો, ગૃહમંત્રીએ આદેશ નથી આપ્યો તો રાજીનામું આપે, તેવું કોંગ્રેસ સાંસદે જણાવ્યું હતું.

કોંગ્રેસ સાંસદે પ્રહાર કરતાં કહ્યું હતું કે, ગૃહમંત્રી અમિત શાહનાં ઘરની સામે હજાર પોલીસ જવાનો તૈનાત હોય છે. 30 ગાડી તેમની આગળ-પાછળ હોય છે.

છેલ્લા 20 દિવસથી અમિત શાહ ગાયબ છે. ગૃહમંત્રીમાં હિંમત નથી, તેઓ ગૃહમાં આવી શકતા નથી, તેવા પ્રહારો રાહુલે કર્યા હતા.

લોકસભા સ્પીકરને લખેલા પત્રમાં શાહે જણાવ્યું હતું કે, વિપક્ષની માંગથી પહેલાં જ સંસદના હાલ જારી સત્રમાં પેપર લીક વિરોધી વિધેયક રજૂ કરાયું હતું.

તે વખતે વિપક્ષના કોઈ પણ સભ્યે ગૃહમાં નીટ પરીક્ષા સાથે જોડાયેલા મુદ્દા પર પોતાની વાત નહોતી રાખી, તેવું પણ શાહે પત્રમાં નોંધ્યું હતું.

ગૃહપ્રધાને કહ્યું હતું કે, તેમ છતાં પણ સરકાર આ મુદ્દા પર બીજીવાર ચર્ચા માટે તૈયાર છે.

ઇ-પેપરના નવા શુલ્ક