• બુધવાર, 12 ઑગસ્ટ, 2026

HPCLની પાઈપલાઈનમાંથી ઓઈલ ચોરી અને વેચાણ કરતી ગેંગનો પર્દાફાશ

ક્ષરાજસ્થાનમાંથી ક્રૂડ ઓઈલ ચોરી અમદાવાદ-રાજકોટ હાઈવે પર વેચાણ કરવામાં આવતું હતું, 8 ઝડપાયા

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા.11: ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (એટીએસ) અને રાજસ્થાન પોલીસે સંયુક્ત ઓપરેશનમાં રાજસ્થાનથી ગુજરાત સુધી ચાલતા ક્રૂડ ઓઇલ ચોરીના મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આરોપીઓએ રાજસ્થાનના બાલોત્રા જિલ્લામાં હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (એચપીસીએલ)ની પાઈપલાઈનમાં ગેરકાયદેસર પંચર કરી ક્રૂડ ઓઇલ ચોરી કરી તેનું અમદાવાદ-રાજકોટ હાઇવે પર વેચવાનું વ્યવસ્થિત નેટવર્ક ઊભું કર્યું હતું. આ મામલે ગુજરાત એટીએસ દ્વારા કુલ 8 શખસની ધરપકડ કરી લેવામાં આવી છે. 

આ ગેંગ જમીનમાં પાઈપલાઈનને ગેરકાયદે પંચર કરીને વાલ્વ લગાવી ઓઈલ ચોરી કરવાનું મોટું કાવતરું રચ્યું હતું. ગુજરાત એટીએસના ઉચ્ચ અધિકારીને ચોક્કસ બાતમી મળી હતી કે અમદાવાદ-રાજકોટ હાઇવે પર કુવાડવા નજીક સોખડા ગામના રસ્તે એક વ્યક્તિ ગેરકાયદેસર રીતે ક્રૂડ ઓઇલનું વેચાણ કરી રહ્યો છે. તેની અટક કર્યા બાદ પૂછપરછમાં ખુલાસો થયો હતો કે આ ઓઇલ રાજસ્થાનના બાલોત્રા જિલ્લામાંથી લાવવામાં આવતું હતું. તમામ આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, તેઓ રાજસ્થાનના બાલોત્રા જિલ્લાના કાલુડી ગામની સીમમાં સરકારી ખરાબાની જમીનમાં ત્રણથી ચાર ફૂટ ઊંડો ખાડો ખોદીને ત્યાંથી પસાર થતી એચપીસીએલની ક્રૂડ ઓઇલ પાઈપલાઈનમાં પંચર પાડીને વાલ્વ બેસાડી દેતા હતા. આ વાલ્વ મારફતે ક્રૂડ ઓઇલની ચોરી કરીને તેઓ ગુજરાતમાં લાવી અમદાવાદ-રાજકોટ હાઈવે પર વેચાણ કરતા હતા.

આ સમગ્ર કૌભાંડ મામલે રાજસ્થાનના જાસોલ પોલીસ સ્ટેશન ખાતે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ ગુજરાત એટીએસ દ્વારા તમામ આરોપીઓની ધરપકડ કરીને આ રેકેટમાં અન્ય કોણ સંડોવાયેલું છે તેમજ આ ક્રૂડ ઓઇલ કોને અને કેટલા રૂપિયામાં વેચવામાં આવતું હતું તે દિશામાં વધુ ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.

ઝડપાયેલા આરોપીઓમાં મહેસાણાના ઘનશ્યામ નવિનચંદ્ર સોની, ધોરાજીના જયરાજાસિંહ ભરતાસિંહ ચુડાસમા, મુકેશકુમાર શંકરલાલ મેઘવાલ, રણજિત રામધની ચોરસિયા, રમેશ પ્રહલાદજી ઠાકુર, સુરેજી ભોપાજી ઠાકુર, મહેશ બાબુજી ઠાકુર તેમજ ઉત્તરપ્રદેશના દિલીપ ઓમપ્રકાશ યાદવનો સમાવેશ થાય છે.  

ઇ-પેપરના નવા શુલ્ક