• ગુરુવાર, 13 ઑગસ્ટ, 2026

જસ્ટિસ વર્મા પર બધા આરોપ સાબિત

-તપાસ સમિતિએ લોકસભામાં અહેવાલ સોંપ્યો : હવે આગળ જરૂરી કાર્યવાહી થશે

નવી દિલ્હી, તા. 12 : હાઈકોર્ટના પૂર્વ ન્યાયમૂર્તિ જસ્ટિસ યશવંત વર્મા વિરુદ્ધ મુકાયેલા તમામ ત્રણ આરોપ સાબિત થઈ ચૂક્યા છે. તપાસ સમિતિએ પોતાનો અહેવાલ બુધવારે સંસદમાં રજૂ કરી દીધો હતો.

ત્રણમાંથી પહેલો આરોપ અઘોષિત રોકડ રકમનો હતો. બીજો સાક્ષીઓના સંરક્ષણમાં બેદરકારી અને સંતોષપ્રદ જવાબ નહીં આપવાનો ત્રીજો આરોપ હતો. તપાસ સમિતિએ પોતાના અંતિમ અહેવાલ સાથે કાર્યવાહીનો રેકોર્ડ, સંબંધિત દસ્તાવેજો અને પુરાવા સક્ષમ અધિકારીને સોંપ્યા હતા.

 હવે, તપાસ સમિતિ એ  રજૂ કરેલા અહેવાલના આધાર પર જસ્ટિસ યશવંત વર્માના કેસમાં આગળ પણ જરૂરી કાર્યવાહી કરાશે.

સમિતિએ જણાવ્યું હતું કે, જસ્ટિસ વર્મા તેમના ઘરના સ્ટોર રૂમમાંથી મળેલી રોકડ નોટોના સ્રોત અને તેની માલિકીની સંતોષજનક સ્પષ્ટતા આપી શક્યા નહોતા. તપાસમાં જાણવા મળ્યું હતું કે,  મામલા સાથે જોડાયેલા ભૌતિક પુરાવા યોગ્ય રીતે સુરક્ષિત રખાયા નહોતા.

કાયદાકીય સીલિંગ અને નિરીક્ષણથી પહેલાં સ્ટોર રૂમની સ્થિતિમાં બદલાવ કરી દેવાયો હતો તેવું પણ અહેવાલમાં જણાવાયું હતું. સમિતિએ પોતાના તારણમાં ન્યાયમૂર્તિને દોષિત ગણાવ્યા છે. અહેવાલ અનુસાર, નવી દિલ્હીના 30, તુઘલક ક્રેસન્ટ

સ્થિત સત્તાવાર નિવાસસ્થાનના સ્ટોરરૂમમાંથી મોટી સંખ્યામાં 500ના મૂલ્યની નોટો મળી હતી. ખાસ કરીને 22 માર્ચ 2025ના રોજ જસ્ટિસ વર્મા દ્વારા આપવામાં આવેલા જવાબ અને ત્યારબાદ અપનાવવામાં આવેલા વલણને સમિતિએ પરિસ્થિતિને અનુરૂપ સ્પષ્ટ અને સંતોષકારક ગણ્યું નહોતું. સમિતિએ જણાવ્યું કે તેમના જવાબમાં આ પરિસ્થિતિમાં અપેક્ષિત સ્પષ્ટતા, પારદર્શિતા અને સંસ્થાકીય જવાબદારી જોવા મળી નહોતી. સ્વતંત્ર સત્તાવાર સાક્ષીઓ અને અન્ય પુષ્ટિકારક સામગ્રી સાથે તેમના જવાબની સરખામણી કર્યા બાદ સમિતિએ તેમના જવાબને અસંતોષકારક ગણાવ્યો.

ઇ-પેપરના નવા શુલ્ક