આંદોલનમાં જોડાયેલા વિદ્યાર્થીઓ સામે કોઈ નવી કાનૂની કાર્યવાહી નહીં, ભવિષ્ય સુરક્ષિત રાખવાનો પ્રયાસ
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ, તા.3 : રાજ્ય સરકાર
દ્વારા વિદ્યાર્થીઓ અને યુવાનોના હિતમાં એક અત્યંત મહત્ત્વપૂર્ણ અને રાહતરૂપ નિર્ણય
લેવામાં આવ્યો છે. નીટ આંદોલન દરમિયાન નોંધાયેલી તમામ પોલીસ ફરિયાદો અને ગુનાઓ પાછા
ખેંચવાની સરકારે જાહેરાત કરી છે. સરકારના આ સંવેદનશીલ નિર્ણયથી આંદોલનમાં જોડાયેલા
સેંકડો વિદ્યાર્થીઓ અને યુવાનોને મોટી રાહત મળશે અને તેમનું ભવિષ્ય બગાડતા બચશે.
અહીં નોંધવું ઘટે કે, દિલ્હી
ખાતે જંતર મંતર પર નીટ પરીક્ષા મુદ્દે થયેલા આંદોલન દરમિયાન વિવિધ પોલીસ મથકોમાં યુવાનો
અને વિદ્યાર્થીઓ સામે એફઆઈઆર નોંધવામાં આવી હતી. રાજ્ય સરકારે આ કેસો અંગે ઉદાર વલણ
અપનાવીને તમામ પોલીસ ફરિયાદો પરત લેવાનો સત્તાવાર નિર્ણય કર્યો છે. સરકારના આ પગલાથી
આંદોલનમાં સામેલ યુવાનો સામેની તમામ કાનૂની કાર્યવાહીનો અંત આવશે. આ નિર્ણય અંતર્ગત,
આંદોલનમાં જોડાયેલા વિદ્યાર્થીઓ કે યુવાનો સામે ભવિષ્યમાં પણ આ મુદ્દે કોઈ નવી પોલીસ
કાર્યવાહી કરવામાં આવશે નહીં. સરકારે આ બાબતે સ્પષ્ટતા કરીને વિદ્યાર્થીઓ અને તેમના
વાલીઓને મોટી ચિંતામાંથી મુક્તિ આપી છે.
કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને
જણાવ્યું છે કે નીટ પેપર લીકને લઈને વિરોધ કરનારા વિદ્યાર્થીઓ વિરુદ્ધ કાનૂની કાર્યવાહી
કરવામાં આવશે નહીં. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સોમવારે કહ્યું, સરકાર પોતાના વચન પર
કાયમ છે. વિદ્યાર્થીઓ વિરુદ્ધ કોઈ એફાઇઆર થશે નહીં. જેને અનુલક્ષીને સરકારે ગૃહ વિભાગ
અને પોલીસ વિભાગને કેસ પાછા ખેંચવાની આ પ્રક્રિયા તાત્કાલિક અસરથી પૂર્ણ કરવા માટે
કડક સૂચનાઓ આપી દીધી છે. તમામ કાનૂની પ્રક્રિયાઓ ઝડપથી પૂરી કરીને વિદ્યાર્થીઓને મુક્ત
કરવાનો માર્ગ મોકળો કરવામાં આવ્યો છે.