વડોદરા, તા.3 : વડોદરાની માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર 30,499 મતની લીડથી જીત્યા છે તો કોંગ્રેસના ઉમેદવારને 24,585 મત મળ્યા છે. વિધાનસભા બેઠક પર 30 જુલાઈએ પેટા ચૂંટણી યોજાઈ હતી. જેમાં 37.95 ટકા મતદાન બાદ આજે 19 રાઉન્ડની મતગણતરી કરાઈ હતી.
માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીનાં
પરિણામ ફરી એકવાર ભાજપની તરફેણમાં આવ્યા છે. ભાજપના ઉમેદવાર સતીશ પટેલે કોંગ્રેસનો
ઉમેદવાર ભીખાભાઈ રબારીને મોટા માર્જિનથી હરાવ્યા છે. અહીંના બેઠકના ધારાસભ્ય યોગેશ
પટેલના નિધનનાં કારણે ખાલી પડેલી બેઠક પર પેટા ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં ગત સપ્તાહે
મતદાન થયું હતું. ભાજપના પ્રદેશના અનેક અગ્રણીઓ તથા રાજ્ય સરકારના મંત્રીઓએ અહીં ચૂંટણી
પ્રચારમાં ઝંપલાવ્યું હોવા છતાં વરસાદની સિઝનમાં નિરશ મતદાન થયું હતું. માત્ર 37% જેટલું
મતદાન થતાં મતદારોએ ચૂંટણી વોટિંગમાં ખાસ ઉત્સાહ
દર્શાવ્યો ન હતો.
મતદાન બાદ આજે સવારથી માંજલપુર
ભવન્સ સ્કૂલ ખાતે મત ગણતરી હાથ ધરવામાં આવી હતી. મત ગણતરી અગાઉ શહેર પોલીસ કમિશનર દ્વારા
જરૂરી જાહેરનામા પ્રસિદ્ધ કરવામાં આવ્યાં હતાં. જેમાં નો પાર્કિંગ અને વાહન વ્યવહાર
ડાયવર્ઝનના મુદ્દાને આવરી લેવાયો હતો. આજે હાથ ધરાયેલ મત ગણતરી અગાઉથી ભાજપના નેતાઓ
ભવન્સ સ્કૂલની બહાર એકઠા થવા લાગ્યા હતા.
પ્રથમ રાઉન્ડથી જ ભાજપના ઉમેદવારે
લીડ મેળવી દીધી હતી. એક પછી એક રાઉન્ડરની મત ગણતરી પૂર્ણ થતાં ભાજપના ઉમેદવાર સત્યેન્દ્ર
(સતીશ) પટેલ (છાણી)ને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા જ્યારે બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર
ભીખાભાઈ રબારીએ હાર સ્વીકારવી પડી હતી. ઉલ્લેખનીય છે કે, માંજલપુર વિધાનસભાની પેટા
ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસના બે જ ઉમેદવાર સ્પર્ધામાં હતા. અપક્ષ કે અન્ય કોઈ પક્ષના
ઉમેદવારે ઉમેદવારી નોંધાવી ન હતી.