દિલ્હીમાં વિમાનનું સુરક્ષિત ઉતરાણ
નવી દિલ્હી, તા.4ઃ થાઈલેન્ડનાં ફૂકેટથી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઇટ એઆઈ-2379માં આજે અચાનક ટર્બ્યુલન્સ (ઝટકા સાથે અસ્થિતરતા) જેવી ગંભીર ઘટના બની હતી. જેમાં વિમાન પોતાની ઉડાન કક્ષામાંથી લગભગ 300 ફૂટ નીચે આવી ગયું હતું. આ ઘટનામાં 10 મુસાફરો
અને 4 ક્રૂ સભ્યો સહિત કુલ 14 લોકો
ઘાયલ થયા હતાં. આમાં કેબિન ક્રૂના એક સભ્યને ગંભીર ઈજા થઈ છે, જ્યારે અન્ય લોકોને સામાન્ય ઈજાઓ થઈ છે.
વિમાન દિલ્હીના ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતારી લેવામાં આવ્યું હતું અને તમામ મુસાફરો તથા ક્રૂ સભ્યો સુરક્ષિત રીતે બહાર આવી જતાં હાશકારો થયો હતો. એર ઈન્ડિયાએ પોતાના સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે ફૂકેટથી દિલ્હી માટે ઉડાન ભરેલી ફ્લાઇટ એઆઈ-2379માં ટર્બ્યુલન્સ જેવી ઘટના નોંધાઈ હતી. આ ઘટનાને કારણે વિમાનની ઊંચાઈમાં થોડા સમય માટે અચાનક ફેરફાર થયો હતો. ઊંચાઈમાં થયેલા આ અણધાર્યા ઘટાડાને કારણે કેટલાક મુસાફરો અને ક્રૂ સભ્યોને ઈજાઓ થઈ હતી. જોકે, એરલાઈને ભારપૂર્વક જણાવ્યું કે વિમાન દિલ્હીના ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સંપૂર્ણપણે સુરક્ષિત રીતે લેન્ડ થયું હતું. તમામ મુસાફરો અને ક્રૂ સભ્યો સુરક્ષિત રીતે બહાર આવ્યા અને કોઈને ગંભીર ઈજા થઈ નથી. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (ડીજીસીએ)ના એક અધિકારીએ જણાવ્યું કે પાયલટ-ઈન-કમાન્ડે પોતાના રિપોર્ટમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે ઉડાન દરમિયાન વિમાન અચાનક લગભગ 300 ફૂટ નીચે આવી ગયું હતું.
ઊંચાઈમાં આ અચાનક ઘટાડાને કારણે કેબિન ક્રૂના એક સભ્યને ગંભીર ઈજા થઈ છે. અન્ય એક ક્રૂ સભ્યને પણ ઈજા થઈ છે અને કેટલાક મુસાફરોને સામાન્ય ઈજાઓ પહોંચી છે. ઘટનાની જાણ થતાં જ દિલ્હી એરપોર્ટને તરત જ એલર્ટ કરી દેવામાં આવ્યું હતું. વિમાન લેન્ડ થાય તે પહેલાં જ રનવે પાસે મેડિકલ ટીમો તૈયાર રાખવામાં આવી હતી. લેન્ડિંગ બાદ તરત જ ઘાયલ મુસાફરો અને ક્રૂ સભ્યોને પ્રાથમિક સારવાર માટે એરપોર્ટની મેડિકલ સુવિધામાં લઈ જવામાં આવ્યા હતા.