અમદાવાદ, તા. 3: ગુજરાતે અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટેશન ક્ષેત્રે વધુ એક ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. 3 ઓગસ્ટના રોજ ‘નેશનલ ઓર્ગન ડોનેશન ડે’ નિમિત્તે યોજાયેલા ‘16મા ઇન્ડિયન નેશનલ ઓર્ગન ડોનેશન ડે’ સમારોહમાં ગુજરાતને ત્રણ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, અંગ પ્રત્યારોપણ ક્ષેત્રે દેશભરમાં અગ્રણી સ્થાન ધરાવતી આઇકેડીઆરસી સંસ્થાને ‘એક્સેલન્સ ઇનલિડીંગ ગવર્નમેન્ટ હોસ્પિટલ ઇન ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ ‘ એવોર્ડ, મૃત દાતાઓમાંથી સફળતાપૂર્વક અંગોના રીટ્રીવલ માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલને ‘બેસ્ટ નોન-ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગન રિટ્રિવાઇવ્ડ સેન્ટર (એનટીઓઆરસી)નો એવોર્ડ તેમજ બ્રેઇન સ્ટેમ ડેથની સમયસર ઓળખ, સ્વજનોનું સંવેદનશીલ કાઉન્સાલિંગ અને વૈજ્ઞાનિક પ્રક્રિયા માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલને ‘બેસ્ટ બ્રેઇન સ્ટેમ ડેથ ટીમ’નો રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.
વર્ષ-2025 દરમિયાન આઇકેડીઆરસી-અમદાવાદ ખાતે કુલ 597 ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા હતા, જેમાં 502 કિડની, 86 લિવર અને 9 પેક્રિયાસ ટ્રાન્સપ્લાન્ટનો સમાવેશ થાય છે. આ પૈકી પીએમ-જય યોજના હેઠળ 380 દર્દીઓને વિનામૂલ્યે ટ્રાન્સપ્લાન્ટનો લાભ મળ્યો છે. અહીં સારવાર મેળવતા દર્દીઓમાંથી 34% દર્દીઓ અન્ય રાજ્યોના હોય છે, જે સંસ્થાની રાષ્ટ્રીય વિશ્વસનીયતા દર્શાવે છે.