એક જ દિવસમાં 168 કિલોમિટરની સર્વાધિક ઉડાન પક્ષીરાજની જિજીવિષાનું પ્રતીક
મુંબઈ,
તા. 2 : સારવાર બાદ જંગલમાં મુક્ત કરાયેલા ગીધે 56 દિવસમાં મુક્ત આકાશમાં 1600 કિલોમિટરથી
વધુ અંતરની ઉડાનો ભરી એ દર્શાવે છે કે તીક્ષ્ણ દ્રષ્ટિ ધરાવતા અને સૌથી વધુ ઉંચાઇએ
ઉડી શકતા પક્ષીરાજ ગીધમાં મજબૂત જિજીવિષા હોય છે, એમ પશુ-પક્ષી નિષ્ણાતોએ જણાવ્યું
હતું. આ ગીધ ઉપર નજર રાખનારા બૉમ્બે નેચરલ હિસ્ટરી સોસાયટી (બીએનએચએસ)ના નિષ્ણાતે જણાવ્યું
હતું કે ગીધરાજને સાતમી જૂને નાશિક નજીકના જંગલમાં મુક્ત કરાયા બાદ 17મી જૂને એક જ
દિવસમાં 168 કિલોમિટરની સૌથી લાંબી ઉડાન ભરી હતી.
આ ગીધને
ઘાયલ થયા બાદ સારવાર કરીને સાતમી જૂન પહેલા બે વખત મુક્ત કરવાનો પ્રયાસ કરાયો હતો પરંતુ
એની શક્તિ ક્ષીણ હોવાથી ફરીથી સારવાર આપવી પડી હતી. જે132 નામ આપીને આ ગીધની સારવાર
અને મુક્તિ બાદ પણ નજર રાખનારા બીએનએચએસના નિષ્ણાતોએ કહ્યું હતું કે આઠ અઠવાડિયામાં
કુલ 1,618 કિલોમિટરની ઉડાન ભરી એ દર્શાવે છે કે ગીધમાં જિજીવિષા અને પ્રકૃતિને અનુકૂળ
થઇને નવજીવન માણવાની ખેવના મજ બૂત હોય છે.
બીએનએચએસના
ડિરેક્ટર કિશોર રિઠેના જણાવ્યા પ્રમાણે મુક્તિ બાદ અમારી ટીમે જે132 (ગીધ) ઉપર સતત
નજર રાખી હતી. એ અન્ય ગીધ અને પક્ષીઓ સાથે હળીમળીને રહે છે, નાશિક રેન્જમાં ડોલ ઓહોલ
અને દેવડોંગરા વિસ્તારમાં એ મુક્ત ગગનવિહાર કરી રહ્યું છે. વરસાદ અને ગરમીમાં તેમ જ
છેલ્લા બે મહિનાની આબોહવામાં આ ગીધ પોતાની મેળે જ પશુ-પ્રાણીઓના મૃતદેહો, હાડપિંજરોમાંથી
ભોજન મેળવીને તાકાતવાન બનવાના પ્રયાસ અગાઉની જેમ જ કરતું હતું. નિષ્ણાતો સેટેલાઇટ્સની મદદથી પણ એની હિલચાલ ઉપર નજર રાખતા
હતા. બીએનએચએસની નોંધ પ્રમાણે આ ગીધે જ્યાં ગીધની સંખ્યા સારા પ્રમાણમાં છે એ ઉત્તર
નાશિકમાં તેમ જ ગુજરાતની સરહદે વલસાડના આકાશમાં પણ લાંબા ચક્કર કાપ્યા હતા.
સૌથી
પહેલા આ ગીધને 11 ડિસેમ્બર 2025ના પેન્ચ વાઘ અભયારણ્યમાં મુક્ત કરાયું હતું ત્યારે
એ 20 દિવસમાં 750 કિલોમિટરની ઉડાન ભરીને નાશિક સુધી પહોંચ્યું હતું, પરંતુ એની જોઇતી
તાકાત નહોતી એવા નિરીક્ષણ બાદ ફરીથી સારવાર માટે પકડી લેવામાં આવ્યું હતું. ત્યાર બાદ
સાતમી જૂન પહેલા પણ વધુ એક પ્રયાસ મુક્ત કરવાનો કરાયો હતો પરંતુ ફિટનેસ બરાબર ન જણાતા
ફરીથી થોડી સારવાર આપીને ત્રીજા પ્રયાસે મુક્ત કરાયું હતું. હવે આ ગીધરાજ સંપૂર્ણ ફિટ
છે અને અગાઉની જેમ જ પ્રકૃતિને આધિન પોતાની સામાન્ય જીંદગી જીવી રહ્યું છે અને મુક્તિ
બાદ નવજીવનનો આનંદ લઇ રહ્યું છે.
આ ગીધ
ઉપર સતત નજર નોંધી બેઠેલા બીએનએચએસના રિસર્ચર મનનસિંહ મહાદેવના જણાવ્યા પ્રમાણે હજુ
પણ જે132 નંબરનું આ વિશાળપક્ષી પૂર્ણ ક્ષમતા સાથે ઉત્તર નાશિકમાં ગગનવિહાર કરી રહ્યું
છે, દેશમાં ગીધની સંખ્યા સતત ઘટતી જાય છે અને જૂજ બચ્યા છે ત્યારે આ ગીધનું મહત્ત્વ
વધી જાય છે. આવા ગીધના કારણે જ નાશિકના જંગલ વિસ્તારની નામના છે.