ગિરનારમાં બે, જૂનાગઢ- વાંસજાળિયામાં એક ઈંચ વરસાદ
(ફૂલછાબ
ન્યુઝ)
રાજકોટ
તા.2 : રાજ્યમાં સક્રિય વરસાદી સિસ્ટમ ધીમે ધીમે નબળી પડીને સાયક્લોનિક સર્ક્યુલેશનમાં
ફેરવાઈ હોવા છતાં ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહ્યો છે. આજે રાજ્યના કુલ 179 તાલુકાઓમાં
વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ ચાલુ રહેવાની
સંભાવના વ્યક્ત કરી છે. રાજ્યમાં આજે સૌથી વધુ વરસાદ રાજકોટ શહેરમાં 69 મિમી એટલે કે
2.72 ઈંચ નોંધાયો હતો. ખાસ કરીને બપોરે 12થી 2 વાગ્યા દરમિયાન માત્ર બે કલાકમાં જ
47 મિમી વરસાદ વરસતાં રાજકોટ શહેરના અનેક રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતાં. રાજકોટ બાદ
પડધરીમાં 38 મિમી (1.50 ઈંચ) વરસાદ નોંધાયો હતો.
જૂનાગઢ
: જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે તંત્ર એલર્ટ મોડ પર રહ્યું હતું. જોકે, ગિરનાર
પર્વત અને જૂનાગઢમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો. ગિરનારમાં આશરે બે ઈંચ અને જૂનાગઢમાં
એક ઈંચ વરસાદ નોંધાયો હતો. ભેસાણ, માણાવદર, મેંદરડા અને વંથલીમાં અંદાજે અડધો ઈંચ વરસાદ
થયો હતો. બપોર બાદ વરસાદે વિરામ લીધો હતો, જોકે રાત્રે ફરી વરસાદની શક્યતા નકારી શકાય
તેમ નથી. ધીમો વરસાદ પડતાં જૂનાગઢ શહેરના કેટલાક માર્ગો પર કાદવ-કીચડની સ્થિતિ સર્જાઈ હતી. બીજી તરફ, ખેતરોમાં ઉભા પાક માટે આ
વરસાદ ફાયદાકારક સાબિત થવાની આશા ખેડૂતોમાં જાગી છે.
વાંસજાળિયા
: આજે સવારે 10થી 11 વાગ્યા દરમિયાન અંદાજે એક ઈંચ વરસાદ નોંધાયો હતો. વરસાદથી ઉભા
પાકને ફાયદો થવાની આશા છે, પરંતુ ગામમાં સિઝનનો કુલ વરસાદ હજુ માત્ર બે ઈંચ જેટલો જ
થયો હોવાથી ખેડૂતો ચિંતિત છે. કેટલાક ખેડૂતોએ કુવા અને બોરમાં ઉપલબ્ધ પાણીના આધારે
આગોતરું વાવેતર કર્યું છે. જોકે, હજુ સુધી વાવણીલાયક સારો વરસાદ થયો નથી અને મીણસાર
નદીમાં પણ પૂર આવ્યું નથી. ઘાસચારાની અછતને કારણે ખેડૂતો મુશ્કેલીમાં છે અને વધુ વરસાદની
રાહ જોઈ રહ્યા છે.
જામનગર:
મેઘરાજાએ મહત્તમ સ્થળે વિરામ રાખ્યો છે. જો કે જામનગર, લાલપુર અને કાલાવડમાં છેલ્લા
24 કલાક માં અડધો ઇંચ વરસાદ થયો છે. આ ઉપરાંત જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પણ
સારો વરસાદ થયો હતો.
આમરણ
ચોવીસી : ગઈકાલે શનિવારે દિવસ દરમિયાન પડેલા 5 ઈંચ અનરાધાર વરસાદને કારણે નેશનલ હાઈવે
ઓથોરીટી દ્વારા ડેમી નદીમાં બનાવાયેલા પાકા ડાયવર્ઝનનું ધોવાણ થતા જામનગર-કચ્છ વચ્ચેનો
વાહન વ્યવહાર બંધ કરવો પડયો હતો. શનિવાર રાત્રીથી આજ રવિવાર બપોર સુધી વાહન વ્યવહારને
જામનગરથી વાયા ધ્રોલ-ટંકારા-મોરબી-માળિયા(મીં) થઈને ડાયવર્ટ કરવો પડયો હતો. જો કે,
નેશનલ હાઈવે ઓથોરીટી દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી ડેમી નદી ઉપર બની રહેલા
નવા બ્રીજના બંને છેડા પર બાકી રહેલી કામગીરી પુર્ણ કરી નવા બ્રીજ પરથી આજે બપોરે વાહન
વ્યવહાર પૂર્વવત ચાલુ કરી દેવામાં આવ્યો હતો. આમરણ ખાતેનું પુરાણુ હાટકેશ્વર તળાવ છલોછલ
ભરાઈને ઓવરફ્લો થઈ રહ્યું છે.