હોસ્ટેલમાં અગાઉના દિવસનું ભોજન અપાતા બાળાઓની તબિયત લથડી; ચુડા, સાયલા, લીંબડી અને સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં ઈમરજન્સી બેડ ભરાયા; ધારાસભ્યો દોડી આવ્યા
સુરેન્દ્રનગર, ચુડા, તા.17: સુરેન્દ્રનગર
જિલ્લાના ચુડા ખાતે આવેલી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની હોસ્ટેલમાં ફૂડ પોઇઝાનિંગની
એક અત્યંત ગંભીર અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. હોસ્ટેલમાં 140થી વધુ વિદ્યાર્થિનીઓએ
ભોજન લીધા બાદ એકાએક ઉલટી, પેટમાં અસહ્ય દુખાવો અને ગભરામણ જેવી તકલીફો શરૂ થતાં સમગ્ર
જિલ્લાના વહીવટી અને આરોગ્ય તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ હતી. પ્રાથમિક તપાસમાં બાળાઓને
અગાઉના દિવસે તૈયાર કરવામાં આવેલું વાસી ભોજન પીરસવામાં આવ્યું હોવાનું ખુલ્યું છે.
હોસ્ટેલમાં ભોજન લીધા બાદ એક
પછી એક વિદ્યાર્થિનીઓની તબિયત બગડવા લાગી હતી. ચક્કર અને ઉલટીની ફરિયાદો વધતા શાળા
સંચાલકો દ્વારા તાત્કાલિક આરોગ્ય વિભાગને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને પગલે
એમ્બ્યુલન્સ અને અન્ય ખાનગી વાહનો મારફતે તમામ બાળાઓને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં
આવી હતી. અસરગ્રસ્ત બાળાઓને ચુડા, સાયલા, લીંબડી અને સુરેન્દ્રનગરની વિવિધ હોસ્પિટલોમાં
દાખલ કરવામાં આવી છે. જેમાંથી અંદાજે 70થી વધુ વિદ્યાર્થિનીઓની હાલત વધુ ખરાબ જણાતા
તેઓને સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલ અને સી.યુ. શાહ હોસ્પિટલમાં ઇમરજન્સી સારવાર હેઠળ
રાખવામાં આવી છે.
આ ઘટનાની જાણ થતાં જ લીંબડીના
ધારાસભ્ય કિરીટાસિંહ રાણા તથા વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા તુરંત જ હોસ્પિટલે
પહોંચી ગયા હતા. બંને જનપ્રતિનિધિઓએ તમામ વિદ્યાર્થિનીઓની મુલાકાત લઈ તેમના ખબર-અંતર
પૂછયા હતા. તેમણે હોસ્પિટલના સત્તાધીશો અને વહીવટી તંત્રને તમામ બાળાઓને પૂરતી દવાઓ
અને શ્રેષ્ઠ સારવાર સમયસર મળી રહે તે માટે કડક સૂચનાઓ આપી હતી. બનાવની જાણ થતાં જ મોટી
સંખ્યામાં ચિંતિત વાલીઓ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા, જેને પગલે હોસ્પિટલ પરિસરમાં
ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જો કે, ફરજ પરના ડોક્ટરોના જણાવ્યા અનુસાર, હાલમાં
તમામ વિદ્યાર્થિનીઓની સ્થિતિ સ્થિર છે અને તબીબોની ટીમ તેમની તબિયત પર સતત દેખરેખ રાખી
રહી છે.
બીજી તરફ, આટલી મોટી સંખ્યામાં
બાળાઓના જીવ જોખમમાં મુકાતા વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. આરોગ્ય વિભાગની ફૂડ
સેફ્ટી ટીમે હોસ્ટેલના રસોડામાંથી ભોજનના નમૂના (સેમ્પલ) લઈને લેબોરેટરી તપાસ અર્થે
મોકલી આપ્યા છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્પષ્ટ જણાવાયું છે કે, તપાસમાં જે કોઈ
પણ સ્તરની બેદરકારી સામે આવશે, તેમની સામે કાયદાના કડક સકંજા હેઠળ આકરી કાયદેસરની કાર્યવાહી
કરવામાં આવશે.