• શનિવાર, 18 જુલાઈ, 2026

ગિરનાર અને દાતાર માર્ગ હવે ‘સાયલન્ટ ઝોન’ જાહેર કરાયો

ડિવિઝનલ મેજિસ્ટ્રેટે તાત્કાલિક અસરથી તા.14 સપ્ટેમ્બર સુધી જાહેરનામું પ્રસિદ્ધ કરી હોર્ન અને ધ્વનિ પ્રદૂષણ ઉપર મૂક્યો પ્રતિબંધ

 

જૂનાગઢ, તા.17 : ગિરનાર વિસ્તારમાં બનેલી તાજેતરમા માનવ-સિંહ સંઘર્ષની દુ:ખદ ઘટનાના પરિપ્રેક્ષ્યમાં યાત્રાળુઓની સુરક્ષા તેમજ વન્યજીવ સંરક્ષણ માટે ગિરનારની નવી સીડી, જૂની સીડી તથા દાતાર સીડી માર્ગોને ‘સાયલન્સ ઝોન’ તરીકે જાહેર કરવા દરખાસ્ત કરાઇ છે અને અવાજ વાળા સાધનોના ઉપયોગ ઉપર પ્રતિબંધ મુકાયો છે. ગિરનાર ધાર્મિક આસ્થાનું કેન્દ્ર છે. ગિરનાર પર હિન્દુ તથા જૈન ધર્મના લોકોના મંદિરો, દેરાસરો, તીર્થસ્થાનો વિગેરે આવેલા છે.  હજારો શ્રદ્ધાળુઓ ગિરનારની યાત્રા કરતા હોય છે. ‘િવશ્વ જૈન સંગઠન’ની રજૂઆત મુજબ નેમી ગિરનાર ધર્મ યાત્રા’ તા.1 જુલાઈના શરૂ થઇ અને તા.19ના રોજ ગિરનાર, જૂનાગઢ પહોંચશે અને તા.ર0 ના રોજ જૈન તીર્થંકર શ્રી નેમીનાથજી ભગવાનના નિર્વાણ દિનની ઉજવણી કરાશે. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહેવાની સંભાવના છે. 

આવા સંજોગોમાં ઈલેક્ટ્રોનિક સંસાધનો, મ્યુઝિક સિસ્ટમ, લાઉડ સ્પીકરના ઉપયોગથી વન્યપ્રાણીઓના ઉશ્કેરાટ અને તેના કારણે વન્ય જીવોની માનવ સાથે સંઘર્ષની ઘટનાઓ બનવા પામે તેવી શક્યતા નકારી શકાય નહીં. લોકોની સલામતી અને સુરક્ષા હેતુ માટે ડિવિઝનલ મેજિસ્ટ્રેટે તાત્કાલીક અસર થી તા.14 સપ્ટેમ્બર સુધી આ જાહેરનામું અમલમાં મૂકવામાં આવ્યું છે. 

આ જાહેરનામા મુજબ ગિરનારની નવી સીડી, જૂની સીડી તથા દાતાર સીડી માર્ગો પર કોઈપણ પ્રકારના લાઉડ સ્પીકર, ડીજે, મ્યુઝિક સિસ્ટમ, ડ્રમ અથવા અન્ય વાજિંત્રોનો ઉપયોગ, મોબાઇલ ફોનમાં ઊંચા અવાજે સંગીત વગાડવું, ઊંચા અવાજે જયઘોષ, સૂત્રોચ્ચાર અથવા અવાજ પ્રદૂષણ સર્જતી અન્ય કોઈપણ પ્રવૃત્તિ પર પ્રતિબંધ રહેશે.

 

સિંહોની હિલચાલ પર થર્મલ ડ્રોન, એઆઈની મદદથી દેખરેખ રખાશે

 

જૂનાગઢ, તા.17 સિહોરના વસવાટ વાળા વિસ્તારો નજીક માનવો પર સિંહોના હુમલાના બનાવોને પગલે વન વિભાગ હરકતમાં આવી આજે સાસણ ખાતે પ્રિ સીસીએફની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠકમાં થર્મલ ડ્રોન અને એ.આઇ.ની મદદથી દેખરેખ રાખવા નિર્ણય લેવાયો હતો.  ગીર જંગલના રેવન્યુ વિસ્તાર તેમજ ગિરનાર સીડી ઉપર સિંહે એક માસમાં સાતથી વધુ સ્થળોએ માનવ હુમલા કરી સાત લોકોને ફાડી  ખાધા હતા અને બેને ઘાયલ કર્યા હતા. આ બનાવોથી કેન્દ્ર સરકારનો વન વિભાગ પણ ચિંતિત બન્યો હતો અને ગુજરાત સરકારને માનવીઓ ઉપરના હુમલા અટકાવવા જરૂરી પગલાં ભરવાના આદેશ છૂટયાં હતાં.    આ આદેશને પગલે ગુજરાત વન્ય પ્રાણી વિભાગના પ્રિ સીસીએફ સાસણ દોડી આવ્યા હતા. અને આજે ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. જૂનાગઢ વન્ય પ્રાણી સર્કલના સીસીએફ રામ રતન નાલા એ મીડિયા સમક્ષ જણાવ્યું કે સિંહ પર દેખરેખ રાખવા થર્મલ ડ્રોન અને એ.આઇ.ની મદદ લેવામાં આવશે તેમજ વન્ય પ્રાણીઓની પ્રિ એલામેસિસ્ટમથી જંગલ આસપાસના વિસ્તારોના લોકોને સાવચેત કરવામાં આવશે, ઉપરાંત ટ્રેકર્સ અને સ્ટાફનો પણ વધારો કરવા ચર્ચા કરવામાં આવી હતી. 

 

 

ગિરનાર યાત્રા દરમિયાન ભાવિકોએ હવે ઇન-આઉટ નોંધ કરાવવી ફરજિયાત

 

જૂનાગઢ, તા.17: ગિરનાર વન્યજીવ અભયારણ્ય વિસ્તારમાં તાજેતરમાં બનેલી દુ:ખદ ઘટનાને ધ્યાને લઈ રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યાત્રાળુઓની સુરક્ષા માટે પ્રાયોગિક ધોરણે આવક- જાવકની નોંધ શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.  જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યાત્રાળુઓ-શ્રદ્ધાળુઓની સુરક્ષાને સર્વોપરી રાખી આ વ્યવસ્થા લાગુ કરી તેમા સહયોગ આપવા અનુરોધ કરવામાં આવ્યો છે. ગિરનાર યાત્રા દરમિયાન દરેક યાત્રાળુએ નવી સીડી, જૂની સીડી અથવા રોપ-વે મારફતે ગિરનાર પર્વત પર જતા પહેલાં ક્યુઆર કોડ સ્કેન કરી ઓનલાઈન નોંધણી કરીને ઇન એન્ટ્રી કરાવવી તેમજ દર્શન પૂર્ણ કરી પરત ફર્યા બાદ આઉટ એન્ટ્રી કરાવવી ફરજિયાત કરવામાં આવી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક