• શનિવાર, 18 જુલાઈ, 2026

શાપરમાં ગમખ્વાર અકસ્માત: રોડ રોલર ફરી વળતા બે વિદ્યાર્થીના મૃત્યુ

કોમ્પ્યુટર ક્લાસથી ઘરે પરત ફરી રહેલા આણંદપર નવાગામના બંને 18 વર્ષીય મિત્રોના પરિવારોમાં માતમ

રાજકોટ, તા. 17: શાપર-વેરાવળ ગુંદાસર રોડ પર અત્યંત હૃદયદ્રાવક અને ભયાનક અકસ્માત સર્જાયો હતો. કોમ્પ્યુટર ક્લાસીસમાંથી ભણીને બપોરે બાઈક પર ઘરે પરત ફરી રહેલા બે 18 વર્ષીય યુવકોને એક અજાણ્યા રોડ રોલરે અડફેટે લીધા હતા. કાળમુખું રોડ રોલર યુવકો પર ફરી વળતા એકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે બીજા યુવકે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલાં જ દમ તોડી દીધો હતો. બંને મિત્રો પોતાના ઘરના મોટા પુત્રો હોવાથી અકાળે સર્જાયેલી આ દુર્ઘટનાને પગલે સ્થાનિક પંથકમાં ભારે અરેરાટી અને શોકનું મોજું ફરી વળ્યું છે.

    આ આકસ્મિક દુર્ઘટનામાં આણંદપર નવાગામના રહેવાસી બળદેવ ખોડાભાઈ સેજાણી અને જાતિન છગનભાઈ સરવૈયા નામના બે આશાસ્પદ યુવાનોએ પોતાના જીવ ગુમાવ્યા છે. હોસ્પિટલ ખાતે દોડી આવેલા પરિવારજનોના હૈયાફાટ રુદનથી સમગ્ર વાતાવરણમાં ભારે ગમગીની છવાઈ ગઈ હતી. મૃતક બળદેવ બે ભાઈ અને બે બહેનોમાં મોટો હતો અને તેના પિતા ખેતીકામ કરે છે, જ્યારે મૃતક જાતિન પણ બે ભાઈ અને એક બહેનમાં મોટો હતો અને તેના પિતા હયાત નથી. બંને ઘરના કમાઉ અને આશાસ્પદ દીકરાઓ હોઈ, તેમના પરિવારો પર જાણે આભ ફાટી પડયું છે. 

ઇ-પેપરના નવા શુલ્ક