નંબર પ્લેટ વગરની થાર ગાડી પર ‘મંત્રી, મોરબી શહેર ભાજપ’નું બોર્ડ મળતાં ચર્ચા તેજ
બહારથી
આવતાં કેટલાક લોકો વારંવાર ગેરકાયદે સિંહ દર્શન માટે સીમમાં ઘૂસી આવતા હોવાનો સ્થાનિકોનો
આક્ષેપ
વેરાવળ,
તા.17 : ગિર અને તેની આસપાસના વિસ્તારમાં ગેરકાયદે સિંહ દર્શન કરાવવાના કિસ્સાઓ પર
વન વિભાગે વધુ એક મોટો પ્રહાર કર્યો છે. વેરાવળ તાલુકાના મંડોર ગામ નજીક ચાલી રહેલા
ગેરકાયદે સિંહ દર્શનના રેકેટનો પર્દાફાશ કરતાં વન વિભાગે મોરબીના બે વ્યક્તિ સહિત કુલ
સાત શખસની ધરપકડ કરી છે. આ કાર્યવાહી દરમિયાન મળેલી કેટલીક બાબતોએ અનેક સવાલો ઉભા કર્યા
છે.
વન
વિભાગને મળેલી બાતમીના આધારે મંડોર વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન
જાણવા મળ્યું કે, કેટલાક શખસો પ્રવાસીઓ અને મુલાકાતીઓને રૂપિયા લઈને જંગલ વિસ્તારમાં
સિંહ દર્શન કરાવતા હતા. આ પ્રવૃત્તિ વન્યજીવ સંરક્ષણ કાયદાનું ઉલ્લંઘન ગણાતી હોવાથી
તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
દરોડા
દરમિયાન એક નંબર પ્લેટ વગરની થાર ગાડી પણ મળી આવી હતી. ખાસ વાત એ હતી કે આ વાહન પર
‘મંત્રી, મોરબી શહેર ભાજપ’ લખેલું બોર્ડ લગાવવામાં આવ્યું હતું. આ બોર્ડ કોના ઉપયોગમાં
હતું અને તેનો ગેરકાયદે સિંહ દર્શનના રેકેટ સાથે કોઈ સંબંધ છે કે નહીં, તે અંગે હવે
તપાસ શરૂ કરવામાં આવી છે.
પ્રાથમિક
તપાસમાં સામે આવ્યું છે કે, મંડોરનો એક શખસ લાંબા સમયથી ગેરકાયદે સિંહ દર્શન કરાવવાની
પ્રવૃત્તિ સાથે સંકળાયેલો હતો. તેની મદદથી અન્ય લોકો પણ આ ધંધામાં જોડાયા હોવાની શંકા
વ્યક્ત કરવામાં આવી રહી છે. વન વિભાગે તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી
છે અને સમગ્ર નેટવર્કની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે,
ગિરના સિંહો અને વન્યજીવનની સુરક્ષા માટે આવા ગેરકાયદે કારોબાર સામે કડક પગલાં ચાલુ
રહેશે.
મંડોર
ગામના અગ્રણી કરશન બારડે આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, અમારા ગામના સીમ વિસ્તારમાં
બહારથી આવતાં કેટલાક લોકો વારંવાર ગેરકાયદે સિંહ દર્શન માટે સીમમાં ઘૂસી આવે છે. આવા
લોકો સામે કાર્યવાહી થતી વખતે સ્થાનિક ખેડૂતોને મુશ્કેલી ભોગવવી પડે છે. જેથી વાહન
પર લાગેલા રાજકીય બોર્ડ કે અન્ય કોઈ પ્રભાવને ધ્યાનમાં લીધા વગર વન વિભાગ અને સંબંધિત
એજન્સીઓ સંપૂર્ણ તટસ્થ તપાસ કરી કાર્યવાહી કરે તેવી માગ છે.