• બુધવાર, 17 જૂન, 2026

ગુજરાતમાં ભેળસેળિયાઓ સામે તવાઈ, રૂ.5.89 કરોડનું નકલી તેલ-ઘી ઝડપાયું

ખાદ્ય અને ઔષધ નિયમન તંત્ર દ્વારા 2.12 લાખ કિલો-લિટરથી વધુ ઘી, તેલ, પનીરના જથ્થાનું સઘન ચેકિંગ 

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાના આદેશથી રાજ્યવ્યાપી દરોડા

અમારા પ્રતિનિધિ તરફથી,

અમદાવાદ,તા.16 :  રાજ્યના ખાદ્ય અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યવ્યાપી વિશેષ તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ઘી, ખાદ્ય તેલ, દૂધ અને પનીરના જથ્થાની તપાસ કરી નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન ઘીનો 39,787 કિલો જથ્થો, ખાદ્ય તેલનો 1,67,256.60 કિલો-લિટર જથ્થો, દૂધ-દૂધજન્ય પદાર્થોનો 675.40 કિલો જથ્થો અને પનીરનો 5,229 કિલો જથ્થો મળી કુલ 2,12,948 કિલો-લિટરથી વધુ ખાદ્ય પદાર્થો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

કામગીરી દરમિયાન ઘીના જથ્થાની અંદાજિત કિંમત રૂ. 2,38,72,200, ખાદ્ય તેલની રૂ. 3,34,51,320, દૂધ અને દૂધજન્ય પદાર્થોની રૂ. 47,250 તેમજ પનીરની રૂ. 15,68,700 મળી કુલ અંદાજિત રૂ. 5.89 કરોડથી વધુ કિંમતના ખાદ્ય પદાર્થોની તપાસ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ અભિયાન અંતર્ગત અમદાવાદ, ગાંધીનગર, સુરત, રાજકોટ, મહેસાણા, બનાસકાંઠા, પાટણ, નવસારી, વલસાડ, દાહોદ, કચ્છ, ભાવનગર, જામનગર, સુરેન્દ્રનગર, પંચમહાલ, વડોદરા સહિતના જિલ્લાઓમાં વિવિધ બ્રાન્ડ તથા ખુલ્લા વેચાણમાં રહેલા ઘી, તેલ, દૂધ અને પનીરની ચકાસણી કરવામાં આવી હતી.

આરોગ્ય મંત્રી  પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર નાગરિકોના આરોગ્ય સાથે કોઈપણ પ્રકારનું સમાધાન નહીં કરે. ભેળસેળયુક્ત, ગુણવત્તા વિહોણા અને નિયમોનું ઉલ્લંઘન કરતા ખાદ્ય પદાર્થો સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક