સિવિલ કોર્ટમાં વિવાદ પેન્ડિંગ, વારસાઈ હક્કના વિવાદ વચ્ચે જમીન વેચાણની આશંકા
જામનગર,
તા.15 : શહેરની કરોડો રૂપિયાની કિંમત ધરાવતી વિવાદાસ્પદ જમીન મામલે જિલ્લા કલેક્ટરે
મહત્વપૂર્ણ અને દૂરગામી અસર ધરાવતો નિર્ણય કર્યો છે. શહેરના 3-બી વિસ્તારમાં આવેલી
રેવન્યુ સરવે નં.782 અને 787/1ની જમીનને બિનખેતી (એન.એ.)માં રૂપાંતરિત કરવાની અરજી
ફગાવી દેતાં જમીન વિવાદને નવો વળાંક મળ્યો છે. વારસાઈ હક્ક અંગેનો મામલો હાલમાં જામનગર
સિવિલ કોર્ટમાં પેન્ડિંગ હોવાથી કલેક્ટરે આ નિર્ણય લીધો હોવાનું જાણવા મળે છે.
મળતી
માહિતી મુજબ, જમીન મૂળ ખેડૂત માધવજી કાનજીને દરબારી હક્કથી પ્રાપ્ત થઈ હતી. તેમના અવસાન
બાદ જમીન તેમના પુત્ર હીરજી ઉર્ફે હીરાલાલના નામે ચડાવવામાં આવી હતી. ત્યારબાદ હીરજીના
અવસાન પછી હિન્દુ વારસાઈ કાયદા મુજબ તમામ વારસદારોને હક્ક મળવાનો હતો. જોકે, વારસદાર
સતવારા વેજીબેન હીરજી ઉર્ફે હીરાલાલનું નામ તેમની જાણ અને સંમતિ વિના ખોટા સોગંદનામાના
આધારે રેવન્યુ રેકોર્ડમાંથી દૂર કરાયું હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે.
પોતાના
હક્ક અને હિસ્સાની સુરક્ષા માટે વેજીબેને જામનગર સિવિલ કોર્ટમાં રેગ્યુલર સિવિલ સુટ
નં. 723/2025 દાખલ કર્યો છે, જે હાલ વિચારાધીન છે. દરમિયાન અન્ય હકદારો જમીનને બિનખેતી
કરાવી વેચાણ કરવાની પ્રક્રિયા હાથ ધરી રહ્યા હોવાની આશંકા વ્યક્ત કરીને વેજીબેને કલેક્ટર
સમક્ષ વાંધા અરજી રજૂ કરી હતી. કલેક્ટરે તમામ દસ્તાવેજો, રેવન્યુ રેકોર્ડ અને કોર્ટમાં
ચાલી રહેલા દાવાની વિગતોનું સુક્ષ્મ અવલોકન કર્યા બાદ સ્પષ્ટ કર્યું કે વારસાઈ હક્કનો
વિવાદ હજુ નિરાકરણ સુધી પહોંચ્યો નથી. તેથી બિનખેતી મંજૂરી માટે કરવામાં આવેલી અરજી
નામંજૂર કરવામાં આવી છે. કોર્ટના અંતિમ ચુકાદા સુધી હવે આ કરોડો રૂપિયાની જમીન અંગેની
આગળની કાર્યવાહી પર અસર પડશે.