ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 હેઠળ પાંચ આરોપીઓ ઝડપાયા; 290 ફરિયાદો સાથે જોડાયેલા બે મ્યુલ એકાઉન્ટમાંથી કરોડોના શંકાસ્પદ વ્યવહારો સામે આવ્યા
વેરાવળ, તા.12: ગીર સોમનાથ જિલ્લા
પોલીસે સાયબર ગુનેગારો સામે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરતાં આશરે રૂ. 310
કરોડના આંતરરાજ્ય સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. ઓપરેશન મ્યુલ હન્ટ 2.0
અંતર્ગત હાથ ધરાયેલી આ કાર્યવાહી દરમિયાન સાયબર ઠગાઈ માટે બેન્ક ખાતાઓ ભાડે આપતા પાંચ
આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. સમગ્ર મામલો બહાર આવતા જિલ્લામાં જ નહીં પરંતુ રાજ્યભરમાં
ચકચાર મચી ગઈ છે.
જૂનાગઢ રેન્જના ડીઆઈજીપી રાજેન્દ્રાસિંહ
ચુડાસમા અને ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા જયદીપાસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સાયબર
ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમે સમન્વય પોર્ટલ તથા એનસીસીઆરપી પોર્ટલ પર નોંધાયેલી ફરિયાદોના
વિશ્લેષણ દરમિયાન શંકાસ્પદ બેન્ક ખાતાઓની ઓળખ કરી હતી. તપાસમાં સામે આવ્યું કે કેટલાક
ખાતાધારકો પોતાના બેન્ક ખાતા સાયબર ઠગોને ભાડે આપતા હતા અને તેના બદલામાં કમિશન મેળવી
રહ્યા હતા. તપાસ દરમિયાન બેન્ક ઓફ ઇન્ડિયાના એક ખાતામાં નોંધાયેલા વ્યવહારો ચોંકાવનારા
સાબિત થયા હતા. આ ખાતું એનસીસીઆરપી પોર્ટલ પર નોંધાયેલી 193 ફરિયાદો સાથે જોડાયેલું
હોવાનું સામે આવ્યું હતું અને તેમાં અંદાજે રૂ. 282 કરોડના શંકાસ્પદ સાયબર ફ્રોડ ટ્રાન્ઝેક્શન
થયા હોવાનું જાણવા મળ્યું હતું. બીજી તરફ કેનરા બેન્કના એક ખાતામાં 97 ફરિયાદો સાથે
સંકળાયેલા અંદાજે રૂ. 37 કરોડના શંકાસ્પદ વ્યવહારો નોંધાયા હતા. આમ માત્ર બે ખાતાઓ
મારફતે જ દેશના વિવિધ રાજ્યોમાં રહેતા 290 જેટલા ભોગ બનનારાઓ પાસેથી કુલ રૂ. 310 કરોડથી
વધુની રકમ ટ્રાન્સફર થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ગીર સોમનાથ સાયબર
ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં મ્યુલ એકાઉન્ટ સંબંધિત ગુનો નોંધ્યા બાદ શરૂઆતમાં એક આરોપીની
ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેની પૂછપરછ, ડિજિટલ પુરાવા અને ટેક્નિકલ એનાલિસિસના
આધારે સમગ્ર નેટવર્કની કડીઓ ખુલતી ગઈ હતી. જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ
ટીમો રચી સઘન તપાસ હાથ ધરવામાં આવતા વધુ ચાર આરોપીઓ સુધી પોલીસ પહોંચી હતી. પોલીસે
આકાશ ભરતકુમાર પાલા (વેરાવળ), હિરેન રાજગોર (રાજકોટ), આશુતોષ ઠાકર (દેવભૂમિ દ્વારકા),
અજય દાફડા (રાજકોટ) અને દીપકગીરી અપરનાથી (વેરાવળ) સહિત કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી
છે. આ સમગ્ર ઓપરેશન સાયબર ક્રાઇમ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એ. ઝણકાતના નેતૃત્વમાં પીએસઆઈથી
લઈને કોન્સ્ટેબલ કક્ષાના અધિકારીઓ અને કર્મચારીઓની ટીમે સફળતાપૂર્વક પાર પાડ્યું હતું.