વન્યજીવોના આતંકથી ગ્રામજનોમાં ભારે રોષ; નક્કર કાર્યવાહી ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર
અમરેલી, બગસરા, તા.12: અમરેલી
જિલ્લાના બગસરા તાલુકાના ઘંટિયાણ ગામે ગઈકાલે મોડી રાત્રે એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક
ઘટના સામે આવી છે. વાડી વિસ્તારમાં રહેતા પરપ્રાંતીય મજૂરના એક 7 વર્ષના માસૂમ બાળક
પર સિંહણે અચાનક હુમલો કર્યો હતો. સિંહણ બાળકને મોંમાં દબોચીને અંદાજે 1 કિલોમીટર સુધી
ઢસડી ગઈ હતી અને તેને મૃત્યુને ઘાટ ઉતાર્યો હતો. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભય અને
શોકનું મોજું ફરી વળ્યું છે.
મળતી માહિતી મુજબ, ઘંટિયાણ ગામના
પારસભાઈ સોજીત્રાની વાડીમાં આ શ્રમિક પરિવાર રહે છે. ઘટના સમયે સિંહણની સાથે એક સિંહ
અને ત્રણ સિંહબાળ સહિતનો આખો પરિવાર હાજર હતો. બગસરા પંથકમાં વન્યપ્રાણીઓના હુમલાની
આ 22મી અને ઘંટીયાળ ગામની ત્રીજી ઘટના છે. વારંવાર રજૂઆતો છતાં વનવિભાગ દ્વારા માત્ર
આશ્વાસન અપાતું હોવાના આક્ષેપ સાથે ખેડૂતો અને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો
છે.
પરિવારજનો અને ગ્રામજનોએ રોષે
ભરાઈને બાળકના મૃતદેહને સ્વીકારવાનો સાફ ઇનકાર કરી દીધો છે. તેમની માગ છે કે વનમંત્રી
પોતે સ્થળ પર આવે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ રોકવા તેમજ માનવ વસાહતોની સુરક્ષા માટે લેખિત
ખાતરી આપે. બીજી તરફ વનવિભાગની ટીમે સિંહણની મૂવમેન્ટ ટ્રેક કરવાની કાર્યવાહી હાથ ધરી
છે. જાણકારોના મતે, ગેરકાયદે સિંહ દર્શન અને વન્યજીવોની પજવણીના કારણે સિંહ અને માનવ
વચ્ચેનો સંઘર્ષ ચિંતાજનક હદે વધી રહ્યો છે.