13થી
16 જૂન વચ્ચે સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં પણ હળવાથી સામાન્ય વરસાદની શક્યતા
(અમારા
પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ,
તા.10: હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ માટે ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં
આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે રાજ્યના વાતાવરણમાં પલટો આવશે. મુખ્યત્વે
10થી 16 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે. આ
ઉપરાંત, 13 થી 16 જૂન વચ્ચે સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં પણ હળવાથી સામાન્ય વરસાદની
શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 13 જૂનથી રાજ્યમાં વિધિવત વરસાદી
માહોલ જામવાની શક્યતા છે.
હાલમાં
નીચલા સ્તરે દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમી પવન ફૂંકાઈ રહ્યા છે અને આગામી દિવસોમાં ગરમીનો
પારો યથાવત રહેવાની સંભાવના છે. આગાહી મુજબ, આગામી 3 દિવસ એટલે કે 13 જૂનની સવાર સુધી
દક્ષિણ ગુજરાતના માત્ર ગણતરીના જિલ્લાઓ જેમ કે ડાંગ, તાપી, નવસારી અને વલસાડ તેમજ દમણ
અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.
જોકે 14 જૂનથી વરસાદનો વ્યાપ વધશે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓ અરવલ્લી, પંચમહાલ, દાહોદ,
મહિસાગર; દક્ષિણ ગુજરાતના વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી,
વલસાડ અને દમણ, દાદરા અને નગર હવેલી અને સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર,
ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા
છે. 14થી 15 જૂન સુધીમાં ઉત્તર ગુજરાત પ્રદેશના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી
મધ્યમ ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે.
આજે
સાંજે નોંધાયેલા મહત્તમ તાપમાનના આંકડા પર નજર નાખતા જણાય છે કે આજે સૌથી વધુ તાપમાન
અમદાવાદમાં 42.8 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે રાજકોટમાં 41.2, ભાવનગરમાં 42.1, બરોડામાં 39.4, ડીસામાં
40.3, કંડલામાં 37.3, સુરેન્દ્રનગરમાં 42.3 તેમજ સુરતમાં 35.4 ડિગ્રી તાપમાન નોંધાયું
હતું.