• શુક્રવાર, 12 જૂન, 2026

અંધ શ્રદ્ધાની પરાકાષ્ઠા: પતિના મૃત્યુના ત્રીજા દિવસે વિધવાનું મુંડન કરાવ્યું

કેન્સર પીડિત પતિની સારવાર બંધ કરાવી ભૂવા-ભારાડીના રસ્તે ચડયા 

પરિણીતાને અપશુકનિયાળ ગણાવી માસૂમ બાળકો

            સાથે ઘરમાંથી કાઢી મૂકી

રાજકોટ, તા.10: રાજકોટમાં રહેતી અને ધોરાજીમાં સાસરિયું ધરાવતી એક મહિલાના પતિનું આંતરડાના કેન્સરને કારણે અવસાન થતાં સાસરિયાઓએ અંધશ્રદ્ધા અને વિધિના નામે બળજબરીપૂર્વક તેનું મુંડન કરાવી નાખ્યું હોવાનો ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પીડિતાએ આ અંગે ધોરાજીમાં રહેતા પોતાના સાસુ, સસરા અને નણંદ વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

પીડિતાએ ફરિયાદમાં જણાવ્યા મુજબ, તેના પતિની લાંબી બીમારી દરમિયાન દાગીના ગિરવે મૂકીને તેમજ પિયરમાંથી આર્થિક મદદ મેળવીને 15 લાખનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જોકે, સાસુ ભૂવાઓમાં અતિશય માનતા હોવાથી તેમણે છેલ્લે પતિની મેડિકલ ટ્રીટમેન્ટ બંધ કરાવી દીધી હતી અને અંધશ્રદ્ધાના ચક્કરમાં શિયાળાની કડકડતી ઠંડીમાં ઠંડા પાણીએ નવડાવવા જેવી અમાનવીય વિધિઓ કરાવી હતી, જેના કારણે પતિનું મૃત્યુ નીપજ્યું હોવાનો આક્ષેપ છે.

વધુમાં પરિણીતાએ જણાવ્યું કે વાત માત્ર મુંડન સુધી સીમિત ન રહી, પતિના અવસાન બાદ સાસરિયાઓએ મહિલાને ‘અપશુકનિયાળ’ ગણાવીને તેના 11 વર્ષના દીકરા અને 4 વર્ષની દીકરી સાથે ઘરમાંથી હાંકી કાઢી હતી. આ ઉપરાંત, સસરાએ ગોડાઉનમાં રહેલો લસણનો જથ્થો વેચીને તેના પૈસા પણ આપ્યા ન હતા, તેમજ નણંદના દીકરાએ એટીએમ મારફતે ગેરકાયદે 1.50 લાખ ઉપાડી લીધા હતા.

સાસરિયાઓ દ્વારા મિલકત કે વાહનોમાં હક્ક આપવાનો ઇનકાર કરાતાં અને બાળકોની જવાબદારી ન સ્વીકારાતાં પીડિતા હાલ રાજકોટ ખાતે પોતાના પિતાના ઘરે આશરો લઈ રહી છે. પીડિતાના પિતાના જણાવ્યા મુજબ અગાઉ પોલીસ સમક્ષ સમાધાનના પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા, અને હવે તેઓ આ માસૂમ સંતાનોને આર્થિક મદદ મળે તથા ભવિષ્યમાં કોઈ અન્ય દીકરી સાથે આવો અન્યાય ન થાય તેવી ન્યાયની માગ કરી રહ્યા છે.

ઇ-પેપરના નવા શુલ્ક