આગામી 12થી 14 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામશે; અમદાવાદ 42.2 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર
રાજકોટ,
અમદાવાદ, તા.8: રાજ્યમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટીને કારણે તાજેતરમાં મહત્તમ તાપમાનમાં
નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. જોકે, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં
લોકોને ફરી એકવાર અસહ્ય ઉકળાટ અને ગરમીનો સામનો કરવો પડી શકે છે. રાજ્યના મોટાભાગના
શહેરોમાં તાપમાનનો પારો 40થી 41 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે. આ ગરમી
વચ્ચે જ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જામવાની પણ
સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન
વિભાગ ડાયરેક્ટર એ. કે. દાસના જણાવ્યાનુસાર, 14મી જૂન સુધીમાં ગુજરાતમાં મુખ્યત્વે
દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ જેવા કે નવસારી, તાપી, ડાંગ, વલસાડ તેમજ દમણ અને દાદરા નગર
હવેલીમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. શરૂઆતના પાંચ દિવસ બાદ વરસાદનો આ વ્યાપ વધશે
અને ઉત્તર ગુજરાતના વિસ્તારો તરફ પણ વાદળછાયું વાતાવરણ અને વરસાદ જોવા મળી શકે છે.
આ સમયગાળા દરમિયાન પવનની ગતિ પ્રતિ કલાક 15થી 25 કિલોમીટર જેટલી રહેવાની ધારણા છે.
સૌરાષ્ટ્રમાં
આગામી ચાર દિવસ સુધી સૂકા વાતાવરણની વચ્ચે 12થી 14 જૂન દરમિયાન અમરેલી, ભાવનગર અને
ગીર સોમનાથ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદી
ઝાપટાં પડી શકે છે, જેને પગલે સ્થાનિક લોકોને ગરમીથી થોડી રાહત મળશે. હવામાન વિભાગની
આગાહી અનુસાર 15 જૂન બાદ ગમે ત્યારે ચોમાસુ વિધિવત્ રીતે બેસી જશે. હવામાન વિભાગના
જણાવ્યા મુજબ, આગામી સાત દિવસ દરમિયાન રાજ્યના મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની
શક્યતા નથી. આજે સાંજે નોંધાયેલા મહત્તમ તાપમાનના આંકડા પર નજર નાખતા જણાય છે કે આજે
સૌથી વધુ તાપમાન અમદાવાદમાં 42.2 ડિગ્રી નોંધાયું હતું જ્યારે રાજકોટમાં 40.6, ભાવનગરમાં 41.4, બરોડામાં 38.8, ડીસામાં
40.1, કંડલામાં 38, સુરેન્દ્રનગરમાં 41.2 તેમજ સુરતમાં 35.2 ડિગ્રી તાપમાન નોંધાયું
હતું.
ભાવનગર:
ગોહિલવાડ પંથકમાં હવામાનમાં આવેલા ભારે પલટા વચ્ચે ગરમીનો પ્રકોપ વધુ આકરો બન્યો છે.
આજે આકાશમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું હોવા છતાં સૂર્યદેવના આકરા મિજાજ અને હવામાં
ભેજના ઊંચા પ્રમાણને કારણે સમગ્ર ભાવનગર પંથક અસહ્ય ઉકળાટની ભઠ્ઠીમાં શેકાયું હતું.
દિવસ દરમિયાન ફૂંકાયેલા તેજ પવનો પણ લોકોને ગરમીથી રાહત આપવામાં નિષ્ફળ રહ્યા હતા અને
આજે મહત્તમ તાપમાનનો પારો 41.4 ડિગ્રીએ પહોંચી જતાં અસહ્ય ગરમી તેમજ બફારાના બેવડા
મારથી નગરજનો ત્રાહિમામ પોકારી ગયા હતા. સામાન્ય રીતે વાદળછાયું આકાશ થતાં ગરમીમાં
રાહત મળતી હોય છે, પરંતુ આજે તેનાથી ઉલટી જ સ્થિતિ સર્જાઈ હતી અને અરબી સમુદ્ર તરફથી
આવતા ભેજવાળા પવનોને કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધીને 49 ટકાએ
પહોંચી ગયું હતું. વાદળોના કારણે જમીનની ગરમી હવામાં પરાવર્તિત થઈ ન શકતા અને હવામાં
ભેજનું પ્રમાણ ઊંચું હોવાના લીધે અસહ્ય બફારો અનુભવાયો હતો, જેને કારણે સવારથી જ લોકો
પરસેવે રેબઝેબ થઈ ગયા હતા અને બપોરના સમયે રાજમાર્ગો પર લોકોની અવરજવર નહિવત જોવા મળી
હતી.