• બુધવાર, 10 જૂન, 2026

ગોંડલમાં મામા અને નાનાએ 13 વર્ષના ભાણેજની પથ્થરના ઘા મારી હત્યા કરી

હત્યા થયાની ગણતરીની કલાકોમાં બન્ને આરોપી બાબરાથી ઝડપાયા

ગોંડલ, તા.8: આટકોટ પોલીસ સ્ટેશનની હદમાં આવતા ગોંડલના કેશવાળા અને મેસપર ગામની સીમમાં માતા-પિતાની નજર સામે જ તેમના 13 વર્ષના પુત્ર નરેન્દ્રની તેના બે મામા, નાના અને અન્ય એક શખ્સે પથ્થરના ઘા મારી હત્યા નીપજાવી છે. આ ચકચારી ઘટનાની વિગત મુજબ, મોટા દડવા ગામે રહેતા ભનાભાઇ કરશનભાઇ સોલંકી પત્ની હંસાબેન અને પુત્ર નરેન્દ્ર સાથે બાઈક પર દીકરી માટે મુરતિયો જોવા કેશવાળા ગયા હતા. ત્યાંથી પરત ફરતી વખતે મેસપરની સીમમાં ભનાભાઇના સસરા અરજણ કાના તથા સાળા પુનાભાઇ અને અરાવિંદભાઈ સામા મળ્યા હતા. ભનાભાઇની મોટી દીકરીના લગ્ન સાળા અરાવિંદના દીકરા સાથે થયા બાદ તેણી લાંબા સમયથી રિસામણે બેઠી હોય, તે મુદ્દે બન્ને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝઘડો થયો હતો. આ કૌટુંબિક કજીયામાં ઉશ્કેરાયેલા નાના અને મામાઓએ માસૂમ ભાણેજ નરેન્દ્ર પર પથ્થરોના ઘા ઝીંકી દીધા હતા, જેથી ગંભીર ઈજાઓ થતાં લોહીલુહાણ નરેન્દ્રનું ઘટનાસ્થળે જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું.

નિર્દોષ બાળકની હત્યા નીપજાવીને આરોપીઓ ઘટનાસ્થળેથી નાસી છૂટયા હતા અને મૃતદેહને પીએમ અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. આ ગંભીર ગુનાની જાણ સુલતાનપુર પોલીસ સ્ટેશનના પીઆઈ ખાચરને થતાં તેમણે તાત્કાલિક એક્શન લઈ ગણતરીના કલાકોમાં જ તમામ આરોપીઓને બાબરા પંથકમાંથી ઝડપી પાડયા હતા. આ ગુનો આટકોટ પોલીસની હદમાં બન્યો હોવાથી સુલતાનપુર પોલીસે આરોપીઓનો કબજો આટકોટ પોલીસને સોંપી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક