• બુધવાર, 10 જૂન, 2026

આજથી ‘જ્ઞાનનો નવો અધ્યાય’: કિલ્લોલ અને કલરવ સાથે શાળાઓ પુન: ધમધમી

ગુજરાતની 54 હજાર સ્કૂલમાં નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ, એક કરોડથી વધુ વિદ્યાર્થીઓના પગલાંથી વર્ગખંડ ચેનતવંતા બન્યા

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા. 8:  ગુજરાતભરની શાળાઓમાં આજથી નવા શૈક્ષણિક વર્ષ 2026-27નો પ્રારંભ થઈ ગયો છે. ઉનાળાની લાંબી 35 દિવસીય રજાઓ પૂર્ણ થતાં રાજ્યની હજારો શાળાઓ ફરીથી વિદ્યાર્થીઓના કલરવ અને શૈક્ષણિક પ્રવૃત્તિઓથી જીવંત બની હતી. પ્રાથમિકથી લઈને ઉચ્ચતર માધ્યમિક સ્તર સુધીની સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી મળી કુલ 54 હજારથી વધુ શાળાઓમાં એક કરોડથી વધુ વિદ્યાર્થીઓનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. પહેલી વખત શાળાએ આવતા કેટલાક બાળ વિદ્યાર્થીઓ રડવા લાગ્યા હતા.

શૈક્ષણિક કેલેન્ડર મુજબ પ્રથમ સત્ર 8 જૂનથી 4 નવેમ્બર સુધી ચાલશે, જેમાં કુલ 120 દિવસનું શિક્ષણ કાર્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે. ત્યારબાદ દિવાળી વેકેશન બાદ 26 નવેમ્બરથી બીજા સત્રની શરૂઆત થશે, જે 2 મે સુધી ચાલશે અને તેમાં 124 દિવસનું શૈક્ષણિક કાર્ય યોજાશે. આ રીતે સમગ્ર વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓને અભ્યાસ સાથે વિવિધ શૈક્ષણિક અને  સહશૈક્ષણિક પ્રવૃત્તિઓનો લાભ મળશે. નવા સત્ર સાથે કેટલીક પડકારજનક પરિસ્થિતિઓ પણ સામે આવી રહી છે. કેટલાક માધ્યમો અને વિષયોના પાઠ્યપુસ્તકો હજુ સુધી સંપૂર્ણપણે ઉપલબ્ધ ન થતાં વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ચિંતા જોવા મળી રહી છે. કાગળના પુરવઠા સંબંધિત વૈશ્વિક પરિસ્થિતિઓના કારણે કેટલાક પુસ્તકોના વિતરણમાં વિલંબ નોંધાયો હોવાનું માનવામાં આવે છે. જોકે સંબંધિત તંત્ર દ્વારા ટૂંક સમયમાં તમામ પુસ્તકો ઉપલબ્ધ કરાવવાની ખાતરી આપવામાં આવી રહી છે. બીજી તરફ ઓનલાઈન શિક્ષણ અથવા વેકેશન વધારવાની અટકળો વચ્ચે હવે સ્પષ્ટ થઈ ગયું છે કે રાજ્યની તમામ શાળાઓ નિયમિત ઓફલાઈન શિક્ષણ પદ્ધતિ સાથે જ કાર્યરત રહેશે.  અમદાવાદમાં નવા શૈક્ષણિક વર્ષને લઈને વિદ્યાર્થીઓમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રજાઓ દરમિયાન આરામ અને મોજમસ્તી બાદ હવે બાળકો નવા પુસ્તકો, નવી નોટબુક, નવા યુનિફોર્મ અને નવા સંકલ્પો સાથે શાળાએ પહોંચ્યા હતા. છેલ્લા કેટલાક દિવસોમાં બજારોમાં પણ શૈક્ષણિક સામગ્રીની ખરીદી માટે વાલીઓ અને વિદ્યાર્થીઓની ભારે અવરજવર જોવા મળી હતી. જામનગર : જામનગરમાં આજથી શાળાઓ શરૂ થઈ હતી. વિદ્યાર્થીઓ હોંશે હોંશે શાળાએ પહોંચ્યા હતા. જોકે સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ધોરણ 9થી 12ના પુસ્તકો પહોંચ્યા નથી. વેકેશન ખુલ્યા પછી પણ પુસ્તકો ન પહોંચતા બાળકો કેવી રીતે અભ્યાસ કરશે તે સવાલ છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક