• મંગળવાર, 09 જૂન, 2026

રાજકોટના ભરૂડી ટોલનાકા પાસેથી 1.51 કરોડનો દારૂ ભરેલો ટ્રક ઝડપાયો સ્ટેટ મોનિટારિંગ સેલનો દરોડો:સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ

રાજકોટ,તા.7:સ્ટેટ મોનિટારિંગ સેલ ની ટીમ દ્વારા રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં દારૂબંધીના કાયદા હેઠળ એક બહ્ન મોટી સફળતા મેળવી છે. પીએસઆઈ વી.એન. જાડેજા અને પીઆઈ આર.કે. કરમટાની રાહબરી હેઠળ એસએમસીની ટીમે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા રાજકોટ-જૂનાગઢ હાઈવે નંબર-27 પર, ભરૂડી ટોલ પ્લાઝા નજીક ભરૂડી ગામ પાસે એક સફળ પ્રોહિબિશન રેડ કરી હતી. આ દરોડા દરમિયાન વિદેશી દારૂનો એક મોટો કન્સાઇનમેન્ટ ઝડપી પાડવામાં આવ્યો છે.

    આ સપાટા દરમિયાન પોલીસ ટીમે કુલ 1,154 પેટીઓમાંથી 41,580 બોટલનો જથ્થો જપ્ત કર્યો છે, જેની બજાર કિંમત આશરે રૂ.1,51,29,600/- જેટલી થવા જાય છે. તપાસમાં બહાર આવ્યું છે કે આ વિદેશી દારૂ ચંદીગઢની ઓએસિસ ડિસ્ટિલરીઝ અને એમ્પાયર આલ્કોબ્રેવ, હરિયાણાની એડીએસ સ્પિરિટ્સ, પંજાબના મોહાલી સ્થિત યુનાઇટેડ સ્પિરિટ્સ લિમિટેડ તેમજ રાજસ્થાનના અલવર સ્થિત યુનાઇટેડ સ્પિરિટ્સના યુનિટમાં બનાવવામાં આવ્યો હતો.

દારૂના જંગી જથ્થા ઉપરાંત પોલીસે રેડ દરમિયાન અંદાજે રૂ.30,00,000/- ની કિંમતનું એક વાહન, રૂા.5,000/-ની કિંમતનો એક મોબાઈલ ફોન, રૂ.3,600/- ની રોકડ રકમ તેમજ અન્ય રૂ.20,800/- નો મુદ્દામાલ મળીને કુલ રૂ.1,81,59,000/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઘટનાસ્થળેથી ટ્રકના ચાલક ભુરારામ કાલુરામ સારણને ઝડપી પાડીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે ગોંડલ તાલુકા પોલીસ મથકે સોંપવામાં આવ્યો છે.

    આ ગુનામાં સંડોવાયેલા અન્ય ચાર આરોપીઓને હાલ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં દારૂનો જથ્થો સપ્લાય કરનાર ખેમારામ રવતારામ બેનીવાલ, ટ્રકના માલિક રામનિવાસ ઉર્ફે રામલાલ મુલતાનારામ, સુનિલ મુલતાનારામ તેમજ વર્ચ્યુઅલ મોબાઈલ નંબર નો ઉપયોગ કરીને દારૂનો ઓર્ડર આપનાર એક અજ્ઞાત ઈસમનો સમાવેશ થાય છે. આ તમામ સામે પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ઇ-પેપરના નવા શુલ્ક