• મંગળવાર, 09 જૂન, 2026

ઓપરેશન મ્યુઅલ હન્ટ 2.0: રાજકોટ ગ્રામ્યમાં રૂ. 1.78 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ ભાડે એકાઉન્ટ આપનારા 9 સાગરીત ઝડપાયા; માસ્ટર માઇન્ડ હજુ પણ પોલીસ પકડથી દૂર

રાજકોટ,તા.7: ગુજરાત રાજ્યમાં સતત વધી રહેલા સાયબર ક્રાઇમના કેસોને ડામવા માટે પોલીસ વિભાગ દ્વારા ખાસ ’ઓપરેશન મ્યુઅલ હન્ટ 2.0’હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત સાયબર છેતરાપિંડી આચરવા માટે પોતાના બેંક એકાઉન્ટ ભાડે આપનારા મ્યુઅલ એકાઉન્ટ ધારકો અને મુખ્ય સૂત્રધારો વિરૂદ્ધ કડક ઝુંબેશ શરૂ કરાઇ છે. રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા આ ઓપરેશન હેઠળ જિલ્લામાં આચરાયેલા કુલ રૂ. 1,78,92,645 (આશરે 1.78 કરોડ) ના સાયબર ફ્રોડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ કૌભાંડમાં સંડોવાયેલા કુલ 16 આરોપીઓમાંથી અત્યાર સુધીમાં 9 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે, જ્યારે અન્ય 7 સાગરીતોને પકડવા ચક્રો ગતિમાન કરાયા છે.

    એસપી વિજયાસિંહ ગુર્જરે આ મામલે પત્રકાર પરિષદમાં વિસ્તૃત વિગતો આપતા જણાવ્યું હતું કે, સાયબર ગુનેગારો દ્વારા વાપરવામાં આવેલા આ શંકાસ્પદ બેંક ખાતાઓ વિરૂદ્ધ હેલ્પલાઇન નંબર 1930 પર કુલ 50 ફરિયાદો નોંધાઈ ચૂકી છે. જેના આધારે રાજકોટ જિલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં કુલ 8 એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. ઝડપાયેલા આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં આ નેટવર્કનું એક મોટું કનેક્શન સુરત શહેરમાં હોવાનું સામે આવ્યું છે, જેથી રાજકોટ પોલીસની એક વિશેષ ટીમ સુરત ખાતે આરોપીને દબોચી લેવા માટે રવાના કરવામાં આવી છે. હાલ સાયબર પોલીસ સ્ટેશન સહિતની ટીમો બેંક ટ્રાન્ઝેક્શનની ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે.

    પોલીસ કસ્ટડીમાં રહેલા આરોપીઓએ કબૂલાત કરતા જણાવ્યું છે કે, તેઓને માત્ર પોતાના બેંક એકાઉન્ટ અન્ય લોકોને વાપરવા આપવા બદલ દર મહિને રૂ. 5,000 થી રૂ. 10,000 સુધીનું ભાડું (કમિશન) મળતું હતું. આ ગંભીર બાબતને પગલે એસપી વિજયાસિંહ ગુર્જરે સામાન્ય નાગરિકોને કડક અપીલ કરી છે કે, કોઈ પણ અજાણી વ્યક્તિને જીએસટીના બહાને કે માત્ર નાણાકીય ટ્રાન્ઝેક્શન કરવા માટે પોતાના બેંક ખાતા ભાડે ન આપવા. જો કોઈ વ્યક્તિ પેઢી ખોલીને ભાગીદાર રાખવાની લાલચ આપે, તો પણ પહેલાં તેની પૂરી તપાસ કરવી જરૂરી છે. ભવિષ્યમાં જ્યારે પણ આવી કોઈ સાયબર કાર્યવાહી થશે, ત્યારે કાયદાકીય રીતે આરોપી તરીકે સૌથી પહેલું નામ બેંક ખાતાધારક નું જ આવશે.

    પોલીસે જણાવ્યું કે હાલમાં માત્ર એકાઉન્ટ હોલ્ડર્સ (પ્રથમ લેયર) જ ઝડપાયા છે. આ કેસના મુખ્ય માસ્ટર માઇન્ડ અને ફ્રોડની રકમ રિકવર કરવા માટે તમામ 50 ફરિયાદીઓનો સંપર્ક કરીને તેમના નિવેદનો નોંધવાની પ્રક્રિયા ચાલુ છે, જેથી આગામી દિવસોમાં આ કૌભાંડના મૂળ સુધી પહોંચી શકાય.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક