શ્રીજી પાર્ટી પ્લોટ સામે પૂરપાટ ઝડપે આવતી સ્વિફ્ટ કારે બાઇકને અડફેટે લીધું : અકસ્માત બાદ કાર બંધ ટેન્કર પાછળ ઘૂસી ગઈ
ભાવનગર,
તા.7 : ભાવનગર શહેરના રિંગ રોડ પર શ્રીજી પાર્ટી પ્લોટ સામે મોડી રાત્રે એક ગમખ્વાર
અકસ્માત સર્જાયો હતો. જેમાં પૂરપાટ ઝડપે આવતી કારે મોટરસાયકલ સવાર કાકા-ભત્રીજાને જોરદાર
અડફેટે લેતા બન્નેના ગંભીર ઈજાઓ થવાનાં કારણે કરુણ મૃત્યુ નીપજ્યાં છે. આ અકસ્માત એટલો
પ્રચંડ હતો કે બાઇકને ફંગોળ્યા બાદ કાર રોડ સાઇડમાં ઉભેલા એક બંધ ટેન્કરની પાછળ ઘૂસી
ગઈ હતી. અકસ્માતને પગલે મૃતક પરિવારમાં ભારે આક્રંદ અને અરેરાટી વ્યાપી ગઈ છે.
પ્રાપ્ત
વિગતો મુજબ ભાવનગરના ઘોઘારોડ કૈલાશ સોસાયટી પ્લોટ નં.23માં રહેતા બેચરભાઈ ખાટાભાઈ બારૈયા
(ઉં.વ. 48) અને ઘોઘારોડ અકવાડા સ્થિત બળવંતરાય સોસાયટી પ્લોટ નં.29માં રહેતા તેમનો
ભત્રીજો રાકેશભાઈ મનસુખભાઇ બારૈયા (ઉં.વ. 28) બન્ને મોટરસાઇકલ નંબર જીજે-04-ડીકે-9533
લઈને કાળિયાબીડ ખાતે રામ દરબારમાં ગયા હતા. ત્યાંથી મોડી રાત્રે તેઓ પોતાનાં ઘરે પરત
ફરી રહ્યા હતા, તે દરમિયાન રીંગ રોડ પર શ્રીજી પાર્ટી પ્લોટની સામે આ કાળમુખો અકસ્માત
નડયો હતો. સામેથી આવતી સ્વિફ્ટ કાર નંબર જીજે-19-બીએ-1603ના ચાલકે પોતાના વાહનને પૂરઝડપે
અને ગફલતભરી રીતે ચલાવી બાઇક સવાર કાકા-ભત્રીજાને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત બાદ
કાર ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા કાર રોડની સાઈડમાં પાર્ક કરેલા એક બંધ ટેન્કરની
પાછળ ધડાકાભેર ઘૂસી ગઈ હતી. અકસ્માતનો અવાજ એટલો ભયાનક હતો કે આસપાસથી સ્થાનિક લોકોના
ટોળેટોળા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ ગંભીર અકસ્માતમાં કાકા-ભત્રીજાને તાત્કાલિક હોસ્પિટલ
ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ બન્નેને મૃત જાહેર કર્યા હતા. પોલીસ દ્વારા બંને
મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ, કારમાં સવાર બે વ્યક્તિને
પણ શરીરે નાની-મોટી ઈજાઓ પહોંચતા તેઓને પણ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા
મળ્યું છે. આ દુર્ઘટના અંગે મૃતક રાકેશના પિતા મનસુખભાઇએ ભરતનગર પોલીસ મથકમાં સ્વિફ્ટ
કાર નંબર જીજે-19-બીએ-1603ના ચાલક વિરુદ્ધ બેફિકરાઈ અને ગફલતભરી રીતે ડ્રાઇવિંગ કરી
બે જીવ લેવા અંગે અકસ્માતની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની
કાયદેસરની તપાસ હાથ ધરી છે.