કેશોદ, તા.6:જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીનાના પાણિદ્રા પાટિયા પાસે આવેલા કિંગડમ રિસોર્ટમાં ઉનાળુ વેકેશન માણવા આવેલ ભાવનગરના એક પરિવાર પર આભ તૂટી પડયું છે. અહીં રિસોર્ટના સ્વામિંગ પૂલમાં ન્હાવા પડેલો 8 વર્ષીય માસૂમ બાળક આદિત્ય કુમારભાઈ વેન્સીમલાણી અચાનક પાણીમાં ડૂબી ગયો હતો. ઘટનાને પગલે અફરાતફરી મચી ગઈ હતી અને બાળકને તાત્કાલિક બેભાન હાલતમાં કેશોદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. જો કે, બાળક જીવિત હોવાની આશા સાથે શોકાતુર પરિવારજનો તેને કેશોદની ખાનગી હોસ્પિટલ અને ત્યારબાદ વેરાવળ તપાસ માટે લઈ ગયા હતા, જ્યાં તેનું મૃત્યુ થયાની પુષ્ટિ થઈ હતી.
વેકેશનના માહોલ વચ્ચે બનેલી આ
ઘટનાથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને પ્રવાસી પરિવારો માટે આ બનાવ એક લાલબત્તી
સમાન બન્યો છે. હોસ્પિટલ દ્વારા બાળકને મૃત જાહેર કરાયા બાદ પણ પરિવારજનો મૃતદેહ લઈને
અન્ય હોસ્પિટલોમાં દોડતા રહ્યા હોવાથી, હવે કાયદાકીય પ્રક્રિયા અને પીએમ રિપોર્ટ બાદ
જ મૃત્યુનું ચોક્કસ કારણ સામે આવશે. આ દુર્ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા
મળી રહ્યો છે અને રિસોર્ટ
તંત્રની ઘોર બેદરકારી સામે કડક કાર્યવાહી કરવાની લોકમાગ ઉઠી
છે. હાલમાં સમગ્ર મામલે સ્થાનિક પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે.