• મંગળવાર, 04 ઑગસ્ટ, 2026

ગુજરાતમાં મેઘરાજા 15 જૂન બાદ ગમે ત્યારે એન્ટ્રી કરશે

સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં નજીવા વરસાદની વચ્ચે ઉકળાટની સ્થિતિ

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા. 6:  હાલમાં ગુજરાતમાં 10 જૂન સુધી પ્રિમોન્સુન એક્ટીવિટી રહેવાની જાહેરાત તો હવામાન ખાતાએ પહેલેથી જ કરી છે. તેની વચ્ચે ગુજરાતના વિવિધ પ્રદેશો જેમ કે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં નજીવા વરસાદની વચ્ચે ઉકળાટની સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે હવે વાવેતરની પ્રતીક્ષા કરી રહેલા ખેડૂતો અને બફારાનો સામનો કરતી પ્રજા માટે હવામાન ખાતા તરફથી રાહતના સમાચાર છે. રાજ્યમાં વિધિવત રીતે ચોમાસું ક્યારે બેસશે તેની સત્તાવાર જાહેરાત હવામાન વિભાગ દ્વારા કરી દેવામાં આવી છે. જે અનુસાર, ગુજરાતમાં આગામી 15 જૂન બાદ ગમે ત્યારે સત્તાવાર ચોમાસાનો પ્રારંભ થઈ જશે.

હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યા અનુસાર, સાયક્લોનિક સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે આગામી સાત દિવસ સુધી રાજ્યના વાતાવરણમાં પલટો આવશે. હવામાન ખાતાના અનુસાર હાલમાં અરબી સમુદ્ર અને તેની આસપાસ એકસાથે બે શક્તિશાળી            હવામાન સિસ્ટમ સક્રિય થઈ છે. આ ડબલ સિસ્ટમ સક્રિય થવાને કારણે આગામી 3 દિવસ સુધી સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની ભારે આગાહી કરવામાં આવી છે. આ સિસ્ટમની સૌથી વધુ અને વ્યાપક અસર સૌરાષ્ટ્રના પંથકો અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં જોવા મળશે, જ્યાં તેજ પવન અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. જ્યારે બીજી તરફ, રાજ્યના અન્ય ભાગોમાં વરસાદી માહોલ વચ્ચે પણ ગરમી અને અસહ્ય ઉકળાટનું પ્રમાણ યથાવત રહેશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક