• મંગળવાર, 04 ઑગસ્ટ, 2026

અમદાવાદમાં નકલી નોટોનું મોટું કૌભાંડ ઝડપાયું હત્યાના કેસની તપાસમાં થયો પર્દાફાશ

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા.6: અમદાવાદના પૂર્વ વિસ્તાર વટવામાં પોલીસ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલ.સી.બી.) ઝોન-8ની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને એક મોટા નકલી ચલણી નોટોના આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ કર્યો છે વટવા ગામડી માર્ગ પાસે આવેલા સતેજ હોમ્સમાં ભાડે રાખેલા મકાનમાં કમ્પ્યૂટર અને કલર પ્રિન્ટર જેવા હાઈટેક સાધનો વસાવીને રૂ. 500ના દરની નકલી નોટો છાપવાનું કારખાનું ચલાવવામાં આવી રહ્યું હતું. આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે મુખ્ય સૂત્રધાર ઈમરાન સબ્બીર સિંધાની તેના જ રૂમ પાર્ટનરોએ હત્યા કરી નાખી અને તેઓ ફરાર થઈ ગયા. પોલીસે હત્યાના આ ગુનામાં ત્રણ હત્યારાઓની ધરપકડ કરીને પૂછપરછ હાથ ધરતા નકલી નોટોનું કનેક્શન સામે આવ્યું હતું.

આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં દેશના વિવિધ રાજ્યોમાંથી કુલ 6 આરોપીઓની ધરપકડ કરી છે અને તેમની પાસેથી રૂ. 28.94 લાખની નકલી  નોટો જપ્ત કરી છે. પકડાયેલા આરોપીઓમાં બિહારના સૂરજ સહાની અને રવિકુમાર શાહ, ઉત્તર પ્રદેશના વિરેન્દ્રાસિંઘ ઉર્ફે વિરુ બઘેલ અને ચંદ્રમોહન શર્મા, એક સગીર તેમજ બનાસકાંઠાના થરાના રહેવાસી મેરાજ રબારીનો સમાવેશ થાય છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ગેંગમાં સામેલ મૃતક ઈમરાન અગાઉ સુરતમાં અને મેરાજ રબારી અગાઉ ફેક કરન્સીના કેસમાં કોર્ટ દ્વારા દોષિત ઠેરવવામાં આવેલો રીઢો ગુનેગાર છે.

પોલીસને શંકા છે કે આરોપીઓએ અગાઉ આશરે રૂ. 60 લાખ જેટલી કિંમતની બનાવટી નોટો બજારમાં ઘુસાડી દીધી છે. મુખ્ય આરોપીની હત્યા કર્યા બાદ અન્ય આરોપીઓ રૂ. 30 લાખની નકલી નોટો લઈને ઉત્તર પ્રદેશ ભાગી ગયા હતા અને ચંદ્રમોહનના ઘરે છુપાવી દીધી હતી, જ્યારે નોટો છાપવાનું પ્રિન્ટર અને સામગ્રી રાજસ્થાનના ધોલપુર ખાતે સંતાડવામાં આવી હતી. આ ઉપરાંત આરોપીઓએ અન્ય રૂ. 30 લાખની નકલી નોટો બનાસકાંઠાના મેરાજ રબારીને પહોંચાડી હતી. આ આંતરરાજ્ય ગેંગના મૂળ સુધી પહોંચવા અને નકલી નોટો છાપવાની સામગ્રી ક્યાંથી મેળવવામાં આવતી હતી તે દિશામાં પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક