• શનિવાર, 06 જૂન, 2026

ગોંડલ પાસે કાર ઝાડ સાથે અથડાતા અમિત ખૂંટ આત્મહત્યાની આરોપી પૂજા રાજગોરનું મૃત્યુ

સાસણગીર ખાતે ફરીને રાજકોટ પરત ફરતા સમયે અકસ્માત, 4 ગંભીર રીતે ઘાયલ

ગોંડલ, તા.5 : ગોંડલ નજીક શ્રીનાથગઢ અને મોવિયા રોડ ઉપર બપોરનાં સુમારે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. સાસણગીરથી રજાઓ ગાળીને રાજકોટ પરત ફરી રહેલા પાંચ વ્યકિતઓ સાથેની કાર રસ્તા પર આવેલા એક લીમડાના ઝાડ સાથે ધડાકાભેર અથડાતાં અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં કારમાં સવાર એક મહિલાનું કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું છે, જ્યારે અન્ય ચાર વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી છે. પ્રાપ્ત વિગત અનુસાર આ તમામ લોકો રાજકોટ શહેરના માધાપર ચોકડી આસપાસના વિસ્તારમાં રહે છે. અકસ્માતમાં મૂળ જૂનાગઢના અને હાલ રાજકોટ રહેતા 28 વર્ષીય પૂજાબેન જીતેનભાઈ રાજગોરનું મૃત્યુ નીપજ્યું છે. જ્યારે 30 વર્ષીય નિરાલીબેન મોહિતભાઈ ગોહિલ, માધાપર ચોકડી પાસે રહેતા 42 વર્ષીય લાલો સંજયભાઈ વધ્યા સંધિ, માધાપર ચોકડી રહેતા 32 વર્ષીય સંજય રાજુભાઈ જાખલિયા અને ત્રિશા મહેશભાઈ દાઢિયા ગંભીર રીતે ઘાયલ થયા છે.

આ તમામ લોકો સાસણગીર ખાતે ફરવા માટે ગયા હતા અને ત્યાંથી પરત ફરી રહ્યા હતા. ત્યારે શ્રીનાથગઢ અને મોવિયા વચ્ચે કારચાલકે સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવતા કાર સીધી જ રોડની સાઇડમાં રહેલા લીમડાના ઝાડ સાથે ભટકાઈ હતી. મૃતક પુજાબેન રાજગોર ચકચારી બનેલા રીબડાનાં અમિત ખુંટ આપઘાત કેસમાં આરોપી હતા. અમીતને ફસાવવા સગીરાને મદદગારી કરવાનો પુજાબેન ઉપર આરોપ છે. અકસ્માત એટલો ભયંકર હતો કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માત સર્જાતા જ આસપાસથી પસાર થતા વાહનચાલકો અને સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. તત્કાળ તમામ લોકોને ગોંડલની સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ પૂજાબેનને મૃત જાહેર કર્યા હતા જ્યારે અન્ય ચાર લોકોની હાલત વધુ ગંભીર જણાતા, પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેમને વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે અને ત્યારબાદ હોસ્પિટલ પહોંચી ગયો હતો. પોલીસે મૃતક મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને તેમના પરિવારજનોનો સંપર્ક કરવા ચક્રો ગતિમાન કર્યા છે. આ અકસ્માતનો ભોગ બનનાર તમામ પાંચ વ્યક્તિઓ એકબીજાના મિત્રો હતા કે પછી સગા-સંબંધીઓ તે અંગે પણ પોલીસે હાલ તપાસ હાથ ધરી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક