• મંગળવાર, 04 ઑગસ્ટ, 2026

ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર તા. 8થી 10 સપ્ટેમ્બર સુધી મળશે

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા સત્તાવાર જાહેરાત : ધારાસભ્યો એક સપ્તાહ સુધી ઓનલાઈન પ્રશ્નો રજૂ કરી શકશે- અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ,તા.3 : ગુજરાત વિધાનસભાના 9મા અને ચોમાસુ સત્રની આજે ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સત્તાવાર જાહેરાત કરી છે. આગામી 8, 9 અને 10 સપ્ટેમ્બર એમ 3 દિવસ સુધી આ સત્ર મળશે. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ આ સત્ર અંગેની વિસ્તૃત માહિતી આપી હતી. આ ત્રણ દિવસના ટૂંકા સત્ર દરમિયાન સરકારી કામકાજ, વિધેયકો (બિલો) અને પ્રશ્નોત્તરી સહિતના મહત્વના મુદ્દાઓ પર ગૃહમાં ચર્ચા કરવામાં આવશે.

વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, રાજ્યપાલના આહ્વાન બાદ હવે વિધાનસભા ચોમાસુ સત્રની તૈયારીઓ તેજ થઈ ગઈ છે. 8 થી 10 સપ્ટેમ્બર દરમિયાન ચાલનારા આ સત્રમાં વિવિધ સરકારી કામકાજો હાથ ધરવામાં આવશે. આ સાથે જ રાજ્ય સરકાર દ્વારા કેટલાક મહત્વના સરકારી વિધેયકો પણ ગૃહમાં રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત, સત્રના છેલ્લા દિવસનો પ્રસ્તાવ અને વિધાનસભાની કામકાજ સલાહકાર સમિતિ દ્વારા જે પણ કામો નિશ્ચિત કરવામાં આવ્યા છે, તે તમામ એજન્ડા આ 3 દિવસના સત્ર દરમિયાન પૂરા કરવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે, આ ચોમાસુ સત્રમાં પ્રજાના પ્રશ્નોને પણ પૂરતું મહત્વ આપવામાં આવશે. રાજ્યના તમામ ધારાસભ્યો પોતાના મતવિસ્તારની સમસ્યાઓ અને પ્રશ્નો ગૃહમાં સારી રીતે રજૂ કરી શકે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. સત્રનું આહ્વાન થયા બાદ હવે આગામી 1 અઠવાડિયા સુધી તમામ ધારાસભ્યો ઓનલાઇન માધ્યમથી પોતાના પ્રશ્નો વિધાનસભામાં રજૂ કરી શકશે. ધારાસભ્યો દ્વારા પૂછવામાં આવેલા આ ઓનલાઇન પ્રશ્નો પર સત્ર દરમિયાન આવતા પ્રશ્નોત્તરી કાળમાં ગૃહમાં સત્તાવાર રીતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક