સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી વૈકલ્પિક સ્થળ અંગે જવાબ માગ્યો
નવી
દિલ્હી, તા.3 : દિલ્હીમાં જંતર-મંતરની જગ્યાએ
વિરોધ પ્રદર્શન માટે બીજું કોઈ સ્થળ નિયત કરવાની માંગ પર સુપ્રીમ કોર્ટે સરકારને જવાબ
આપવા જણાવ્યું છે. એક અરજીમાં જણાવવામાં આવ્યું હતું કે જંતર-મંતર પર માળખાંકીય સુવિધાનો
અભાવ છે. અહીં આંદોલન થવાથી સ્થાનિક લોકોને અસુવિધાનો સામનો કરવો પડે છે.
અરજદાર
સતીશ ચંદ કૌશિકે અરજીમાં જણાવ્યું હતું કે જંતર-મંતર મોટા પાયે થનારા વિરોધ પ્રદર્શનો
અને ધરણા માટે વ્યવહારિક સ્થળ નથી. આજે આ મામલો મુખ્ય ન્યાયાધીશ (સીજેઆઈ) સૂર્યકાંતની
અધ્યક્ષતાવાળી બેન્ચ સમક્ષ મૂકવામાં આવ્યો હતો.
ન્યાયાધીશોએ તેને મહત્ત્વપૂર્ણ બતાવીને સોલિસિટર જનરલ તુષાર મહેતાને જણાવ્યું
હતું કે તે કેન્દ્ર સરકાર પાસેથી નિર્દેશ લઈને કોર્ટને જાણકારી આપે.
અરજીમાં
જણાવવામાં આવ્યું હતું કે જંતર-મંતર પર પાણી, શૌચાલય (સીવરેજ) અને ભોજ સહિતની પાયાની
સુવિધાઓ નહિવત્ છે. અહીં વિરોધ પ્રદર્શનોને કારણે ક્ષેત્રમાં વાહનવ્યવહારની વ્યવસ્થા
ગંભીર રીતે પ્રભાવિત થાય છે. અહીં સ્થાનિક લોકો, રાહદારીઓ અને તાકીદની સેવાઓનું આવાગમનને
અસર પહોંચે છે.
કોર્ટે
સરકારને અરજી પર પોતાનું વલણ સ્પષ્ટ કરવા જણાવ્યું હતું. સરકાર પાસેથી કોર્ટે જાણવા
માગ્યું હતું કે શું વિરોધ પ્રદર્શનો માટે બીજી કોઈ જગ્યા ઉપલબ્ધ થઈ શકે તેમ છે કે
નહીં.
ઉલ્લેખનીય
છે કે પોતાના અગાઉના અનેક ચુકાદાઓમાં સર્વોચ્ચ અદાલત શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનોને
મૌલિક અધિકાર બતાવી ચૂકી છે. કોર્ટે એ ચુકાદાઓમાં એમ પણ જણાવ્યું હતું કે આવાં પ્રદર્શનો
દરમ્યાન સામાન્ય લોકોની સુરક્ષા અને સુવિધાઓને પણ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ થવો જોઈએ.