(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ,
તા.3: નર્મદા જિલ્લાના વનકર્મીઓ પર હુમલો અને સરકારી ફરજમાં અડચણ ઉભી કરવા સહિતના ગંભીર
ગુનાઓમાં દોષિત ઠરેલા ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા હવે ગુજરાત
હાઇકોર્ટના શરણે ગયા છે. ડેડિયાપાડા સેશન્સ કોર્ટે તાજેતરમાં ચૈતર વસાવા સહિત કુલ
9 આરોપીને દોષિત ઠેરવી સાત વર્ષની સજાનો હુકમ કર્યો હતો. હવે આ સજા અને દોષિત ઠેરવતા
ચુકાદાને પડકારતી અપીલ ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવી છે.
ચૈતર
વસાવાએ પોતાની અપીલમાં ટ્રાયલ કોર્ટે આપેલા દોષિત ઠેરવતા ચુકાદાને રદ કરવાની માંગ કરી
છે. સાથે જ અપીલની અંતિમ સુનાવણી સુધી સજાના અમલ પર સ્ટે મૂકવાની પણ માંગ કરવામાં આવી
છે. આ કેસમાં ચૈતર વસાવાના પર્સનલ આસિસ્ટન્ટે પણ અલગથી ગુજરાત હાઇકોર્ટમાં અપીલ દાખલ
કરી છે. બન્ને અરજીઓ એક જ ચુકાદા સામે કરાઈ હોવાથી હાઇકોર્ટ તેની સંયુક્ત રીતે સુનાવણી
કરે તેવી શક્યતા છે. આ અગાઉ ડેડિયાપાડા સેશન્સ કોર્ટે ચૈતર વસાવા, તેમની પત્ની શકુંતલા
વસાવા સહિત અન્ય દોષિતોને અપીલ દાખલ કરવા માટે સમય મળે તે હેતુથી જામીન મંજૂર કર્યા
હતા. તેથી સજા સંભળાવવામાં આવી હોવા છતાં તમામ દોષિતોને તાત્કાલિક જેલમાં મોકલવામાં
આવ્યા નહોતા અને તેમને ઉચ્ચ અદાલતમાં અપીલ કરવાની તક આપવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટે
આ અરજીઓ પર વધુ સુનાવણી 5 ઓગસ્ટના રોજ નિર્ધારિત કરી છે. આ સુનાવણી દરમિયાન હાઇકોર્ટ
સજાના અમલ પર વચગાળાનો સ્ટે આપવો કે નહીં, તેમજ અપીલ સ્વીકારી આગળની કાર્યવાહી કેવી
રીતે હાથ ધરવી તે અંગે મહત્ત્વપૂર્ણ નિર્ણય લઈ શકે છે.
ચૈતર
વસાવાના ધારાસભ્ય પદ સામે જોખમ?
લોકપ્રતિનિધિત્વ
ધારા મુજબ કોઈ સજા પામેલા ધારાસભ્યને હાઇકોર્ટ તરફથી રાહત કે સજા પર સ્ટે ન મળે તો
તેમનું ધારાસભ્ય પદ જોખમમાં મૂકાઈ શકે છે. આ જ કારણસર ચૈતર વસાવાએ સજા સામે સ્ટે મેળવવા
માટે અને ટ્રાયલ કોર્ટના ચુકાદાને રદ કરવા હાઇકોર્ટમાં અપીલ કરી છે. બે દિવસ બાદ સુનાવણી
હાથ ધરાશે જેમાં હાઈકોર્ટ શું નિર્ણય કરે છે તેના પર લોકોની મીટ મંડાયેલી છે.