દક્ષિણ ગુજરાતમાં જળાશયો છલકાવાની તૈયારી, ઉત્તર ગુજરાત, કચ્છ હજુ વરસાદની રાહમાં : સરદાર સરોવર 77% ભરાયો
હૃષિકેશ વ્યાસ
અમદાવાદ, તા.3 : રાજ્યમાં સર્જાયેલી
લો-પ્રેસર સિસ્ટમને કારણે થયેલા ભારેથી અતિ ભારે વરસાદનો સૌથી મોટો લાભ જળાશયો-ડેમોમાં
જોવા મળી રહ્યો છે. ગુજરાતના કુલ 207 ડેમોમાં કુલ જળસંગ્રહ 16,950.06 મિલિયન ક્યુબિક
મિટર એટલે કે 67.11 ટકા સુધી પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં જ 638.54 મિલિયન ક્યુબિક
મિટર પાણીનો વધારો નોંધાયો છે જ્યારે 31મીની સરખામણીએ રાજ્યના જળાશયોમાં 3,528.55 મિલિયન
ક્યુબિક મિટર વધુ પાણી સંગ્રહિત થયું છે.
આમ છતાં રાજ્યના તમામ વિસ્તારોમાં
સ્થિતિ એકસરખી નથી. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે ડેમો ઝડપથી ભરાઈ રહ્યા છે
અને અનેક ડેમો હાઈ એલર્ટ અથવા વોર્નિંગ પર છે. બીજી તરફ ઉત્તર ગુજરાત અને કચ્છમાં વરસાદ
ઓછો રહેતાં જળસંગ્રહ હજુ પણ સંતોષકારક કહી શકાય એવો નથી. સૌરાષ્ટ્રમાં પણ જિલ્લાવાર
ચિત્રમાં મોટો તફાવત જોવા મળી રહ્યો છે. ભાવનગરમાં ડેમ લગભગ છલકાવાની સ્થિતિમાં છે,
જ્યારે દેવભૂમિ દ્વારકામાં હજુ પણ અત્યંત ઓછો જળસંગ્રહ થયો છે.