કાગળ, પ્રિન્ટિંગ અને અન્ય ઉત્પાદન ખર્ચમાં વધારો નોંધાયો હોવા છતાં ગત વર્ષની કિંમતો જ યથાવત્ રાખવાનો રાજ્ય પાઠય પુસ્તક મંડળનો નિર્ણય
(અમારા
પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, તા.5 : રાજ્યના વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે રાહતના સમાચાર
સામે આવ્યા છે. રાજ્ય પાઠ્ય પુસ્તક મંડળે પાઠયપુસ્તકોના ભાવ વધારાને લઈને સ્પષ્ટતા
કરતાં જણાવ્યું છે કે, ચાલુ શૈક્ષણિક વર્ષમાં પુસ્તકોની કિંમતોમાં કોઈ વધારો કરવામાં
આવશે નહીં. પાઠય પુસ્તક મંડળના જણાવ્યા મુજબ, પુસ્તકોના છાપકામ ખર્ચમાં વધારો થયો હોવા
છતાં વિદ્યાર્થીઓ પર વધારાનો આર્થિક બોજ ન પડે તે માટે ગત વર્ષની કિંમતો જ યથાવત રાખવાનો
નિર્ણય લેવામાં આવ્યો છે.
મંડળે
સ્પષ્ટ કર્યું છે કે, તમામ ધોરણોના પાઠયપુસ્તકો અગાઉના વર્ષના ભાવ પ્રમાણે જ ઉપલબ્ધ
કરાવવામાં આવશે. જેના કારણે નવા શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં વાલીઓને રાહત મળશે. ઉલ્લેખનીય
છે કે કાગળ, પ્રિન્ટિંગ અને અન્ય ઉત્પાદન ખર્ચમાં વધારો નોંધાયો હોવા છતાં રાજ્ય સરકાર
અને પાઠય પુસ્તક મંડળે વિદ્યાર્થીઓના હિતને પ્રાધાન્ય આપીને ભાવવધારો ન કરવાનો નિર્ણય
લીધો છે. આ નિર્ણયથી લાખો વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને સીધો લાભ મળશે અને શિક્ષણ
ખર્ચમાં વધારો થતો અટકશે. નોંધનીય છે કે, પાઠ્યપુસ્તકો અને નોટબુક્સ બનાવવા માટે વપરાતા
મુખ્ય રો-મટિરિયલ એટલે કે કાચા કાગળના ભાવમાં
આંતરરાષ્ટ્રીય સ્તરે મોટો ઉછાળો આવ્યો છે. આ સિવાય બહારથી મગાવવામાં આવતા કાચા માલ
અને ઈંધણના મોંઘા દરને કારણે લોજિસ્ટિક્સ અને ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ પણ ખાસ્સો વધી
ગયો છે. જેની સીધી અસર પાઠયપુસ્તકોના ભાવ પર પણ પડે તેમ હતી. જો કે આ વખતે સરકારે આ
ભાવ વધારો ન કરવાનો નિર્ણય લીધો છે.