• ગુરુવાર, 04 જૂન, 2026

ગુજરાત સરકારનો મોટો નિર્ણય રાજ્યના શહેરો બનશે વાયર ફ્રી

વર્ષ 2030 સુધીમાં રાજ્યના શહેરી વિસ્તારોમાં વીજ લાઈનો સંપૂર્ણપણે અંડરગ્રાઉન્ડ કરાશે : કેબીનેટ બેઠકમાં અપાઈ મંજૂરી

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ,તા.3 :મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલી કેબિનેટ બેઠકમાં ‘ગુજરાત વાયર ફ્રી સિટી મિશન’ને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આ મિશન હેઠળ વર્ષ 2030 સુધીમાં રાજ્યના તમામ શહેરોને તબક્કાવાર વાયર ફ્રી બનાવવામાં આવશે. આ મહત્વાકાંક્ષી મિશનના પ્રારંભિક તબક્કા માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. 500 કરોડની જોગવાઈ મંજૂર કરવામાં આવી છે. આ મિશન હેઠળ રાજ્યની તમામ 17 મહાનગરપાલિકાઓ  તથા 151 નગરપાલિકા વિસ્તારોને આવરી લેવામાં આવશે. જે રાજ્યના શહેરી વિસ્તારોની સુંદરતા અને સુરક્ષામાં નોંધપાત્ર વધારો કરશે.

પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, વાયર ફ્રી મિશન અંતર્ગત શહેરોમાં હાલ અસ્તિત્વ ધરાવતા ઓવરહેડ વીજ વિતરણ નેટવર્કને સંપૂર્ણપણે અંડરગ્રાઉન્ડ એટલે કે, ભૂમિગત કેબલ નેટવર્કમાં રૂપાંતરિત કરવામાં આવશે. જેમાં 14,600 સર્કિટ કિલોમીટરથી વધુ હાઈ ટેન્શન ઓવરહેડ નેટવર્ક અને 31,400 સર્કિટ કિલોમીટરથી વધુ લો ટેન્શન ઓવરહેડ નેટવર્કને તબક્કાવાર ભૂમિગત કરાશે.

આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં 11 કે.વી. ઓવરહેડ લાઈનોને અને ત્યારબાદ લો  ટેન્શન લાઈનોને ભૂમિગત કેબલમાં રૂપાંતરિત કરવામાં આવશે. અંડરગ્રાઉન્ડ કેબાલિંગ થવાથી વાવાઝોડા જેવી કુદરતી આફતો વખતે વાયર તૂટવાની કે શોર્ટ સર્કિટ થવાની દુર્ઘટનાઓ અટકી જશે. આ ઉપરાંત, ટેકનિકલ ફોલ્ટનું પ્રમાણ ઘટવાથી નાગરિકોને વધુ ગુણવત્તાયુક્ત અને કોઈપણ પ્રકારના અવરોધ વિના અવિરત વીજળી પ્રાપ્ત થશે.

ઇ-પેપરના નવા શુલ્ક