40
થી 50 કિલોમીટરની ઝડપે તેજ પવન ફૂંકાવાની પણ આશંકા
(અમારા
પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ,
તા. 3: રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિત બે સિસ્ટમ સક્રિય થવાના કારણે રાજ્યમાં
આગામી સાત દિવસ સુધી ગાજવીજ સાથે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી સાત દિવસોમાં
ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદી માહોલ જોવા મળશે. વિવિધ વિસ્તારોમાં
40 થી 50 કિલોમીટરની ઝડપે તેજ પવન ફૂંકાવાની પણ આશંકા સેવાઈ રહી છે. બીજી તરફ, દેશમાં
ચોમાસું આગળ વધવા માટેના તમામ પરિબળો હાલ સાનૂકૂળ બની રહ્યા છે, જેને પગલે આગામી 4
જૂનના રોજ ચોમાસું વિધિવત રીતે કેરળ પહોંચે તેવી પૂરેપૂરી શક્યતાઓ હવામાન વિભાગે દર્શાવી
છે.
હવામાન
વિભાગે જણાવ્યું છે કે વાતાવરણમાં સર્જાયેલા બદલાવ અને પશ્ચિમી વિક્ષેપની અસરને કારણે
રાજ્યમાં આગામી દિવસોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. જેના પરિણામે તાપમાનમાં
પણ ઘટાડો નોંધાઈ શકે છે અને લોકોને ગરમીથી આંશિક રાહત મળી શકે છે. હવામાન નિષ્ણાતોના
જણાવ્યા મુજબ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં
હળવાથી મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે. આ ઉપરાંત કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ માવઠાની
અસર જોવા મળી શકે છે. હવામાન વિભાગના ડાયરેક્ટર
એ.કે.દાસના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં આગામી બે દિવસમાં વરસાદને લઈને આગાહી કરી છે.
રાજ્યમાં બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, ખેડા, દાહોદ, પંચમહાલ,
કચ્છ, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, તાપી, સુરત, નવસારી,
વલસાડ, અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ, જૂનાગઢ અને ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં
આવી છે. આજે સાંજે નોંધાયેલા મહત્તમ તાપમાનના આંકડા પર નજર નાખતા જણાય છે કે આજે સૌથી
વધુ તાપમાન રાજકોટમાં 42.9 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે અમદાવાદમાં 40.2, અમરેલીમાં
41.7, ભાવનગરમાં 38.9, બરોડામાં 38.2, ડીસામાં 40.7, કંડલામાં 37.9 તેમજ સુરતમાં
35.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
ભાવનગર
: ગોહિલવાડ પંથકમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે.
આજે બુધવારે સવારથી જ હવામાનનો મિજાજ ફરી આકરો બન્યો છે. ગઈકાલનો વરસાદી માહોલ સંપૂર્ણપણે
વિખેરાઈ જતાં અને આકાશ સાફ થઈ જતાં સૂર્યનારાયણના આકરા કિરણો સીધા જમીન પર પડી રહ્યા
છે. પરિણામે સવારના પ્રારંભિક કલાકોથી જ વાતાવરણમાં ભેજનું પ્રમાણ ખૂબ વધી ગયું છે
અને અસહ્ય બફારાએ જોર પકડ્યું છે.