• બુધવાર, 03 જૂન, 2026

‘કેસર’ની શાહી સફર : વિશ્વમાં માત્ર કેસર કેરીનો જન્મદિન ઉજવાય છે ઓઝત કાંઠેથી ઉદ્ભવેલી વજીર સાલેભાઈની આંબડી કેવી રીતે બની ‘કેસર’?

 વિજય પિપરોત્તર

જૂનાગઢ તા.2 : દેશની આઝાદી આડે હજુ સવા દાયકાની વાર હતી. તે અરસામાં જૂનાગઢ નવાબના દરબારમાં ફળની એક પ્રજાતિ રજૂ થવાની હતી. શાહી ઠાઠમાઠ સાથે નવાબ અને દરબારીઓ સમક્ષ રજૂ કરાઈ અને સર્વે તેનો આસ્વાદ માણે છે. તેનો સ્વાદ અને સોડમ અદ્વિતીય લાગી. જે આજે પણ સ્વાદરસિકોના હૃદય પર રાજ કરે છે - તે એટલે આપણી ગીરની ‘કેસર’. વિશ્વમાં એકમાત્ર કેસર કેરીનો જન્મદિન પણ ઉજવાય છે.

જૂનાગઢના નવાબ મહોબત ખાનજી ત્રીજાએ કાશ્મીરના કેસર જેવા રંગને જોઈ આ કેરીને કેસર નામ આપ્યું.

આ સંદર્ભમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના બાગાયત વિભાગના ડીન ડો. ડી.કે. વરૂ કહે છે કે, કેસરની ઐતિહાસિક સફરની શરૂઆત 1930ના અરસામાં શરૂઆત થઈ હતી. એ સમયે જૂનાગઢના વજીરના પદે સાલેભાઈ કાર્યરત હતા. તેઓ મે મહિનામાં વંથલીની ઓઝત નદીના કાંઠે આવેલી ચામસી અને રવાયું સીમમાં પોતાની વાડીની મુલાકાતે આવ્યા હતા. તેમની પારખું નજરમા બગીચામાં ચાર આંબા એવા હતા તેની કેરીઓ અન્ય ઝાડ કરતા સાવ જુદી અને આકર્ષક હતી. જેથી તેમણે એ ચાર ઝાડની કેરીઓ અલગ રખાવી અને પોતાના ઘરે મંગાવી લીધી. સાલેભાઈ આ કેરીઓને કુદરતી રીતે પકવે છે અને પોતાના મિત્ર અને માંગરોળ સ્ટેટના નવાબ શેખ જહાંગીર મિયાને ભેટમાં આપે છે.

ડો. વરૂ જણાવે છે કે, આ ઘટનાની જાણ જૂનાગઢના નવાબને થાય છે, તેઓ પણ ખૂબ બાગાયતનો શોખ ધરાવતા  હતા એટલે રાજ્યના બાગાયતના નિષ્ણાત કહી શકાય તેવા ડો. આયંગરને બોલાવ્યા અને કેરીની આ જાત વિશે વિશેષ તપાસ સોંપે છે. ડો. આયંગર સાલેભાઈ પાસેથી આ કેરી વિશેની વિગતો મેળવે છે અને બંને વંથલીની ચામસી અને રવાયું સીમની મુલાકાત લે છે. જેને કેસરનું જન્મ સ્થળ પણ કહી શકાય.

આ સમયે ‘ભેટ કલમ’ (જેને લોકો ડબ્બા પદ્ધતિ તરીકે પણ ઓળખે છે) તૈયાર કરી. ડો. આયંગરે આ ચાર ઝાડમાંથી 90 જેટલી કલમો બનાવડાવી અને તેમાંથી 75 જેટલીનો સફળ રીતે ઉછેર પણ થયો.

ડો. આયંગરે ભારે ઉત્સાહ સાથે નવાબના દરબારમાં કેરીઓ રજૂ કરી નવાબના નિર્દેશ મુજબ તેનું કેસર નામકરણ થયું. તે દિવસ હતો 25 મે, 1934 એટલે 25 મેના રોજ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા કેસરના જન્મદિવસની ઉજવણી પણ કરવામાં આવે છે. ડો. વરૂ કહે છે કે, કદાચ વિશ્વની પહેલી ઘટના હશે કે કોઈ ફળનો જન્મદિવસ ઉજવવામાં આવતો હોય.

ઇ-પેપરના નવા શુલ્ક