• સોમવાર, 01 જૂન, 2026

મોરબી : ગેરકાયદે ખનીજ સંગ્રહ કૌભાંડમાં બે કંપનીને રૂ.2.63 કરોડનો દંડ ફટકારાયો

77 હજાર ટનથી વધુ ફેલ્સપાર જથ્થો સીઝ કરાયો : બંને પેઢીઓ એક જ માલિકીની હોવાનું પણ સામે આવ્યું

મોરબી,તા.31 : જિલ્લામાં ગેરકાયદે ખનીજ સંગ્રહ અને વેચાણના મામલે જિલ્લા તંત્રએ વધુ કડક કાર્યવાહી હાથ ધરી છે. ગત 28 મેના રોજ જિલ્લા કલેક્ટર સ્વપ્નીલ ખરે અને ખાણ-ખનીજ વિભાગની ટીમે કંડલા બાયપાસ વિસ્તારમાં કરેલી આકસ્મિક તપાસના અનુસંધાને હવે બે પેઢીને કુલ રૂ.2.63 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. તપાસમાં બંને પેઢીઓ એક જ માલિકીની હોવાનું પણ સામે આવ્યું છે.

તપાસ દરમિયાન ટીંબડી ગામના રેવન્યુ સર્વે નં.41/1 અને 42/1 ખાતે આવેલી એ એન્ડ જે માઈક્રોન્સ પ્રાઈવેટ લિમિટેડમાં નોંધણી વિના મોટા પ્રમાણમાં ફેલ્સપાર ખનીજનો સંગ્રહ કરવામાં આવ્યો હોવાનું ખુલ્યું હતું. કંપનીના ડાયરેક્ટર પાર્થ હરિલાલ ઘેટિયા દ્વારા કુલ 46,751 મેટ્રિક ટન ખનીજનો જથ્થો સંગ્રહ કરાયો હોવાનું સામે આવતાં સમગ્ર જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. નિયમોના ભંગ બદલ દંડ અને પર્યાવરણીય નુકસાન વળતર સહિત કુલ રૂ.1.58 કરોડની વસુલાતનો આદેશ કરાયો છે.

આ ઉપરાંત ધરમપુર વિસ્તારમાં આવેલી એ જે માઈક્રોન પ્રાઈવેટ લિમિટેડમાં પણ ગેરકાયદે ખનીજ સંગ્રહ મળી આવ્યો હતો. અગાઉ સ્ટોક રજીસ્ટ્રેશન રદ કરાયા બાદ પણ પ્રવૃત્તિ ચાલુ રાખવામાં આવતી હોવાનું જાણવા મળ્યું હતું. અહીંથી 31,014.27 મેટ્રિક ટન ફેલ્સપારનો જથ્થો મળી આવ્યો હતો. આ મામલે રૂ.1.05 કરોડનો દંડ ફટકારવામાં

આવ્યો છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક