વહેલી સવારથી બપોર સુધી સતત જામની અસર : અનેક વાહનો શેરી ગલીઓમાં ચકડોળે ચડ્યાં
ચોટીલા તા.31: યાત્રાધામ ચોટીલા
નેશનલ હાઈવે ઉપર આજે ઐતિહાસિક ટ્રાફિક જામ સર્જાતા અફરાતફરી મચી હતી અને કોઈ અગમ્ય
કારણોસર સર્જાયેલા આ જામની અસર હેઠળ અસંખ્ય વાહન ચાલકો, પ્રવાસીઓએ મુશ્કેલીઓ વેઠવી પડી હતી.
ચોટીલા ખાતે રવિવાર, વેકેશન અને
પરસોતમ માસની પૂનમને લઈને વહેલી સવારે 4:00 વાગ્યાથી કોઈ અગમ્ય કારણોસર ઐતિહાસિક ટ્રાફિક
જામ સર્જાયો હતો. જેની અસર લાખો લોકોને પહોંચી હતી તેમજ ઇમરજન્સી 108 ની સેવા આપતી
એમ્બ્યુલન્સ પણ અટવાયેલી જોવા મળેલ હતી. તહેવારના દિવાસો, રવિવારના ચામુંડા માતાજીના
મંદિરને કારણે ટ્રાફિક રહેતું હોય છે જેમાં દરેક પૂનમના વિશેષ ટ્રાફિક હોય છે. છેલ્લા
કેટલાક સમયથી યાત્રિકોની સંખ્યામાં પણ મોટો ધસારો થયેલ છે. આવા દિવસોમાં વિશેષ બંદોબસ્ત
પણ રખાતો હોય છે. ઉપરાંત ટ્રાફિક બ્રિગેડ,
હોમગાર્ડ, જીઆરડીને વ્યવસ્થાના ભાગ રૂપે મુકાતા હોય છે.
રવિવારના ચોટીલા રાજકોટ અને અમદાવાદ
પાંચ - સાત કીમી થી વધુનો નેશનલ હાઈવે ઉપર 8/9 કલાક સુધી નોન સ્ટોપ ઐતિહાસિક ટ્રાફિક
જામ સર્જાતા હાઇવે ઉપર તંત્રની લાપરવાહીના દ્રશ્યો સર્જાયા હતા. અનેક વાહન ચાલકોએ હાઇવે
છોડી અંદરના રસ્તાઓ પકડયા હતા જેમાં ચોટીલા શહેરની અનેક શેરી ગલીઓમાં નાના મોટા ચાર
ચક્રિય વાહનોનો કાફલો ચકડોળે ચડેલો હતો. જે તંત્રની અણઆવડતનો નમુના રૂપી દ્રશ્યો શહેરીજનોમાં
હાસ્યાસ્પદ બન્યાં હતા. મોટા જામ બાદ ટ્રાફિક ક્લિયર કરાવવા માટે દોડધામ શરૂ થયેલ અને
મોટી જહેમત બાદ બપોરના બે કલાકે જામ ક્લિયર થયો હતો.
ચોટીલા રાજકોટ હાઇવે ઉપરના ચાણપા
બ્રિજ ઉપર મરામત કામ તેમજ બે નાના અકસ્માત અને વહેલી સવારે દર પૂનમના આવતા કાયમી વાહનો
સહિતની બાબતોને લક્ષ્ય આપ્યા વગર જરૂરી ટ્રાફિક મેનેજ પ્લાન વ્યવસ્થામાં સેન્સ નો અભાવ
અને સંભાળનારનો પન્નો ટૂકો પડતા હાઇવે ઉપર જામ સર્જાયો હોવાનું અનુમાન છે.