અંબાજીમાં કિલોમીટરો લાંબી લાઇનો વચ્ચે ‘જય અંબે’નો જયઘોષ
રાજકોટ, તા.31 : સમગ્ર ગુજરાતમાં
આજે અધિક (પુરુષોત્તમ) માસની પવિત્ર પૂર્ણિમાના અવસરે અદ્ભુત આધ્યાત્મિક અને ભક્તિમય
માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યના વિવિધ સુપ્રસિદ્ધ મંદિરોમાં વહેલી સવારથી જ ભગવાનના
દર્શન કરવા માટે લાખો શ્રદ્ધાળુઓનું ભવ્ય ઘોડાપૂર ઉમટ્યું છે. મંદિરોમાં વિશેષ પૂજા-અર્ચના,
શણગાર અને મનોરથનાં સુંદર આયોજનો વચ્ચે સમગ્ર વાતાવરણ ભક્તિના રંગમાં રંગાઈ ગયું છે.
સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી
ખાતે અધિક માસ જેઠ મહિનાની પવિત્ર પૂનમના દિવસે ભક્તોનો ભારે ધસારો રહ્યો હતો. મા અંબાના
દર્શનનો લાભ લેવા માટે શ્રદ્ધાળુઓની કિલોમીટરો લાંબી લાઈનો લાગી હતી. અંબાજી મંદિર
પરિસર ‘બોલ મારી અંબે, જય જય અંબે’ના ગગનભેદી નાદથી ગુંજી ઉઠ્યું હતું. ખેડા જિલ્લાના
સુપ્રસિદ્ધ ધામ ડાકોરમાં રાજાધિરાજ રણછોડરાયના દર્શન કરવા ભક્તોની ભારે ભીડ જામી હતી.
‘જય રણછોડ’નાં નાદ સાથે સમગ્ર નગરી ભક્તિમય બની હતી. ભક્તોની અસાધારણ ભીડને ધ્યાનમાં
રાખીને મંદિર પરિસર તેમજ પવિત્ર ગોમતી તળાવના કિનારે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અને ટ્રાફિક
નિયંત્રણ માટે વિશેષ રૂટની વ્યવસ્થા કરવામાં આવી છે.
અરવલ્લી જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ
શામળાજી ખાતે પૂનમના પવિત્ર દિવસે મંદિરમાં પરંપરાગત રીતે ભવ્ય કેરી મનોરથની ઉજવણી
કરાઈ રહી છે, જે દર્શનાર્થીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અધિક માસમાં
ભગવાન વિષ્ણુની આરાધનાનું વિશેષ મહત્ત્વ હોવાથી મંદિરને રંગબેરંગી ફૂલોથી સજાવવામાં
આવ્યું છે. દેવભૂમિ દ્વારકામાં અધિક માસની પૂનમે ગોમતી નદીમાં સ્નાન કરવાનું અનેરું
પુણ્ય હોવાથી ભક્તોએ વહેલી સવારે જ નદી કાંઠે આસ્થાની ડૂબકી લગાવી હતી. જગત મંદિરના
દર્શન માટે ભક્તોની છપ્પન સીડીથી લઈને કીર્તિ સ્તંભ સુધી લાંબી લાઈનો જોવા મળી હતી.