• સોમવાર, 01 જૂન, 2026

રાજ્યના વાતાવરણમાં પલટો: ભારે પવન સાથે વરસાદ સોરઠમાં વરસાદનાં કારણે કેરી, રાવણા અને ઉનાળુ પાકને નુકસાન

મહીસાગર, સાબરકાંઠા, અરવલ્લી, અમરેલી, ગીર સોમનાથ અને અમદાવાદ સહિતના જિલ્લાઓમાં ભારે પવન

રાજકોટ, તા.31 : છેલ્લા કેટલાક દિવસથી ઉનાળામાં આકરા તાપમાં લોકો અકળાઈ ઉઠયા હતા ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યનાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. 31 મેની મધરાતે 12 વાગ્યા બાદ મહીસાગર, સાબરકાંઠા, અરવલ્લી, અમરેલી, ગીર સોમનાથ અને અમદાવાદ સહિતના જિલ્લાઓમાં ભારે પવન, તીવ્ર વાવાઝોડું અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડયો હતો. તો આજે વહેલી સવારે સોરઠનાં વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો અને ધીમીધારે વારસાદ વરસ્યો હતો.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાના કારણે રાજ્યમાં આ પ્રી-મોન્સૂન સિસ્ટમ ઊભી થઈ છે. છેલ્લા કેટલાક સમયથી અસહ્ય ઉકળાટ અને કાળઝાળ ગરમીથી ત્રાહિમામ પોકારી ગયેલી જનતાને તાપમાનમાં 3થી 5 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાતા મોટી રાહત મળી છે, પરંતુ તોફાની પવનના કારણે અનેક શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો સંપૂર્ણપણે ખોરવાઈ જતાં અંધારપટ છવાયો હતો.

સોરઠમાં  એકાએક વાતાવરણમાં પલટો આવતા વહેલી સવારે ધીમીધારે કમોસમી વરસાદ શરૂ થતા જૂનાગઢ, વંથલી, માણાવદર સહિતના વિસ્તારોમાં એકથી પાંચ મી.મી. વરસાદ નોંધાયો છે. આ કમોસમી વરસાદથી કેસર કેરી, રાવણા તેમજ ઉનાળુપાક તલ, મગફળી અને મગના પાકને વ્યાપક નુકસાન થયાનું જાણવા મળ્યું છે. જૂનાગઢ શહેર અને જિલ્લાના હવામાનમાં વહેલી સવારે એકાએક પલટો આવ્યા બાદ ધીમીધારે વરસાદ શરૂ થતા થોડીવારમાં રસ્તાઓ પર પાણી વહેવા લાગ્યાં હતાં. એકાએક માવઠાના વરસાદથી કેરીના બગીચાઓ અને યાડોમાં સેકડો ટન કેસર કેરીના બોક્સ તેમજ રાવણાનો જથ્થો પલળી ગયો હતો. ઉપરાંત ખેતરોમાં ઉનાળુ પાક મગફળી, તલ અને મગનો પાક પણ પલળી ગયો હતો. વહેલી સવારે એકાએક કમોસમી વરસાદથી લોકો ચોંકી ઉઠયા હતા અને આકાશમાં વરસાદી માહોલ જોઈ જાણે ચોમાસું ટપક્યું હોય તેવો અહેસાસ કરી રહ્યા હતા. માવઠાના વરસાદને કારણે બફારો વધી ગયો છે જનજીવન આકરી ગરમીથી અકળાયું છે .

સવારે સુરતના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદ શરૂ થયો છે. ભારે વરસાદને કારણે રોડ પર પાણી વહેતાં થયાં હતાં. ઘણા સમયથી થતી અસહ્ય ગરમી અને અકળામણથી લોકોને રાહત મળી છે.

જાફરાબાદમાં વરસાદી ઝાપટાથી બસ સ્ટેશન નજીક પાણી ભરાયા

જાફરાબાદ : શહેરમાં આજે વહેલી સવારે પડેલા પ્રથમ વરસાદી ઝાપટાએ નગરપાલિકાની કામગીરી સામે અનેક સવાલો ઉભા કર્યા છે. માત્ર 20 મિનિટના વરસાદમાં બસ સ્ટેશન નજીક અને મચ્છી માર્કેટ વિસ્તારમાં પાણીના તળાવ ભરાઈ ગયા હતા. મચ્છી માર્કેટમાં વરસાદી પાણી અને કાદવના કારણે ખરીદદારો તથા વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. પાથરણાવાળા અને લારીધારક વેપારીઓએ જણાવ્યું હતું કે, પાણી ભરાવાને કારણે ગ્રાહકોની અવરજવર ઘટી ગઈ, જેના કારણે રોજગારી પર સીધી અસર પડી છે. કેટલાક વેપારીઓએ પોતે જ પાવડા વડે પાણી કાઢવાના પ્રયાસો કર્યા હતા. સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે, સમસ્યા વચ્ચે પાલિકાના જવાબદાર કર્મચારીઓ કે જનપ્રતિનિધિઓ સ્થળ પર જોવા મળ્યા નહોતા. વેપારીઓએ વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે તાત્કાલિક પગલાં ભરવાની માગ કરી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક