(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ, તા.29: ઈન્ડિયન પ્રીમિયર
લીગની મેગા ફાઈનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 31 મી રવિવારે રમાશે. આઈપીએલની
ફાઈનલ પૂર્વે જ અમદાવાદમાં ફ્લાઈટ અને હોટલના ભાડા આસમાને પહોંચી ગયા છે. શહેરની મોટાભાગની
હોટલમાં રૂમો પેક થઈ ગયા છે. આ ઉપરાંત અમદાવાદ માટે વન-વે એરફેરમાં પણ નોંધપાત્ર વધારો
થયો છે. ક્રિકેટચાહકો ફાઈનલ મુકાબલાનો રોમાંચ માણવા માટે પ્લેન, ટ્રેન તેમજ બસ મારફતે
અમદાવાદ પહોંચી રહ્યા છે.
આ વર્ષે આઈપીએલ ફાઈનલમાં ગત સિઝનની
ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ફાઈલનમાં સ્થાન પાક્કુ કરી લીધુ છે. હવે ગુજરાત
અથવા રાજસ્થાનમાંથી ક્વોલિફાયર ટુની વિજેતા ટીમ આરસીબી સામે ફાઈનલમાં ટકરાશે. વિરાટ
કોહલી, રજત પાટીદાર, વેંકટેશ ઐયર સહિતના સ્ટાર ખેલાડીઓ સાથે આરસીબીની ટીમનું અમદાવાદમાં
આગમન થઈ ચુક્યુ છે. ચાહકો તેમના પસંદગીના ક્રિકેટરની ઝલક મેળવવા માટે પડાપડી કરી રહ્યા
છે. બેંગ્લોરથી અમદાવાદનું એક તરફનું હવાઈ ભાડુ સામાન્ય રીતે રૂ.6,000 થી રૂ.10,000
હોય છે જે હાલમાં વધીને રૂા.18,000 થી રૂ.25,000 સુધી પહોંચી ગયુ છે. દિલ્હીની કેટલીક
ફ્લાઈટસનું વનવે એરફેર પણ આ રેન્જમાં જોવા મળી રહ્યું હોવાનું એક ટ્રાવેલ સર્વિસના
એક્ઝિક્યુટિવે જણાવ્યું હતું.
બીજી તરફ આઈપીએલ ફાઈનલને પગલે
બહારના રાજ્યોમાંથી પણ ક્રિકેટપ્રેમીઓ આવી રહ્યા હોવાથી અમદાવાદ અને ગાંધીનગરમાં હોટલના
ભાડા બમણા થઈ ગયા છે. અમદાવાદની ખ્યાતનામ ફાઈવ સ્ટાર હોટલમાં એક રાત માટે રૂમનું ભાડુ
સામાન્ય સ્થિતિમાં રૂ.8,000 થી રૂ.1ર,000 વચ્ચે હોય છે. જે ફાઈનલના બે દિવસ પૂર્વે
બમણુ થઈ ગયું છે અને આગામી દિવસોમાં રૂ.પ0,000 ને આંબે તો નવાઈ નહીં. શહેરમાં થ્રી
સ્ટાર હોટલનું ભાડુ અગાઉના 3,પ00 થી વધીને રૂ.7,000 થી વધુ થયું છે.
ગાંધીનગર રેલવે સ્ટેશન નજીક આવેલી
લીધા હોટલમાં 8પ ટકા રૂમો બુક થઈ ગયા હોવાનું મેનેજરે જણાવ્યુ હતું. અમદાવાદના નરેન્દ્ર
મોદી સ્ટેડિયમ 1.33 લાખ પ્રેક્ષકોની ક્ષમતા સાથે સૌથી મોટુ ક્રિકેટ સ્ટેડિયમ છે. આઈપીએલની
ફાઈનલને લઈને ક્રિકેટપ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.