• શનિવાર, 30 મે, 2026

વડાપ્રધાન 5 જૂને સંભવત: ફરી ગુજરાતમાં

સુરતમાં જાહેર સભા અને દમણ એરપોર્ટનું લોકાર્પણ કરી શકે છે

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ,તા.29 :  વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 5 જૂનના રોજ ફરી એકવાર ગુજરાત પ્રવાસે આવે તેવી પ્રબળ શક્યતાઓ છે. સુરત અને સંઘ પ્રદેશ દમણમાં પીએમ મોદીના સંભવિત કાર્યક્રમોને લઈને તંત્ર દ્વારા જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ઙખ મોદી ખાસ કરીને સુરતમાં ભવ્ય જાહેર સભા અને દમણમાં નવા એરપોર્ટના લોકાર્પણ કરી શકે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, પીએમ મોદી 5 જૂને સુરતની મુલાકાત લઈ શકે છે. આ મુલાકાત દરમિયાન તેઓ એક વિશાળ જાહેર સભાને સંબોધિત કરે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સંભવત: વેસુ અથવા વરાછા વિસ્તારમાં આ સભા યોજાઇ શકે છે. જોકે અંતિમ નિર્ણય હજુ લેવાયો નથી પરંતુ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સુરત મહાનગરપાલિકા, પોલીસ તંત્ર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજન શરૂ કરી દેવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.

આ સાથે પીએમ મોદી સંઘ પ્રદેશ દમણની મુલાકાતે જાય તેવી પણ શક્યતા છે. નવા ડોમેસ્ટિક એરપોર્ટનું ભવ્ય લોકાર્પણ તેમના હસ્તે થવાનું માનવામાં આવી રહ્યું છે. આ એરપોર્ટ લગભગ 97 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે અને તેમાં આધુનિક સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ અવસરે  વડાપ્રધાન દ્વારા દમણના આરોગ્ય, પ્રવાસન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટેના અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવે તેમ માનવામાં આવી રહ્યું છે.

 હાલ સમગ્ર રાજ્યની નજર પીએમઓ દ્વારા જાહેર થનારા સત્તાવાર શેડ્યૂલ પર ટકેલી છે. આગામી એક-બે દિવસમાં આખરી કાર્યક્રમ જાહેર થવાની શક્યતા છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક