બ્લોક નંબર 8થી 14નો વીજ પુરવઠો ખોરવાતા લિફ્ટ બંધ થઈ, મુલાકાતીઓ અને અધિકારીઓ અટવાતા અફરાતફરી મચી
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ, તા.29: રાજ્યના પાટનગર
ગાંધીનગર સ્થિત નવા સચિવાલય પરિસરના બ્લોક નંબર 13 પાસે આવેલા પાવર સપ્લાયના ટ્રાન્સમિશન
વાયારિંગમાં અચાનક શોર્ટ સર્કિટ થવાના કારણે જોરદાર વિસ્ફોટ થયો હતો. આ ઘટનાને પગલે
સચિવાલયમાં ક્ષણભર માટે દોડધામ મચી ગઈ હતી. શોર્ટ સર્કિટને લીધે માર્ગ અને મકાન વિભાગના
બે વાયરમેન સહિત ત્રણ અન્ય કર્મચારી ગંભીર રીતે દાઝ્યા હોવાનું જણાયું હતું. બપોરના
સમયે એકાએક સ્પાર્ક થયા બાદ જોરદાર ધડાકો થતા સચિવાલય પરિસરમાં અફરાતફરી મચી ગઈ હતી.
સચિવાલયના બ્લોક નંબર 13માં આવેલા
પ્લગ પોઈન્ટમાં ગમે તે કારણોસર શોર્ટ સર્કિટ થતા તણખા ઝર્યા હતા. આ ઘટનામાં ત્રણ લોકો
ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોમાં આર. એમ. ઝાલા (અધિક મદદનીશ ઇજનેર - વિદ્યુત), હાર્દિક
પ્રજાપતિ (વાયરમેન) અને રાહુલ સેનવા (આઉટસોર્સ કર્મચારી)નો સમાવેશ થાય છે. ત્રણેયને
સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ
તમામને સામાન્ય દાઝી જતા સારવાર બાદ રજા અપાઈ હતી. એક વ્યક્તિ વધુ દાઝ્યો હોવાથી તેની
વધુ સારવાર ચાલી રહી હોવાનું જણાયું છે.
આ ટેક્નિકલ ખામીને લીધે સચિવાલયના
મુખ્ય એવા બ્લોક નંબર 8થી 14 સુધીનો વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. વીજ પુરવઠો ઠપ થતા
તમામ બ્લોકની લિફ્ટ બંધ થઈ ગઈ હતી અને લિફ્ટની અંદર કર્મચારીઓ તથા મુલાકાતીઓ અટવાતા
દોડધામ મચી હતી. થોડા સમય માટે કામગીરી સંપૂર્ણ ઠપ થઈ ગઈ હતી અને અરજદારો તથા અધિકારીઓ
પરસેવે રેબઝેબ થઈ ગયા હતા. સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી. પાવર સપ્લાય લાઇનમાં અચાનક
શોર્ટ સર્કિટ થતાં જ જોરદાર ધડાકો થયો હતો.
આ ઘટનાની ગંભીરતાને પગલે વીજ
વિભાગની ટેક્નિકલ ટીમ અને કુશળ ઈલેક્ટ્રિશિયનોની ફોજ તાત્કાલિક બ્લોક નંબર 13 ખાતે
દોડી આવી હતી. વહીવટી તંત્રની ત્વરિત કામગીરીને કારણે સ્વર્ણિમ સંકુલ-2માં થોડા સમય
બાદ વીજ પુરવઠો પુન:સ્થાપિત કરી દેવામાં આવ્યો હતો. આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યો
છે. વાયારિંગ ઓવરલોડને કારણે શોર્ટ સર્કિટ થયું કે પછી ગુણવત્તામાં ક્ષતિ અથવા અન્ય
ટેક્નિકલ બેદરકારીને કારણે આ ઘટના ઘટી. પ્રાથમિક રીતે ગરમીને લીધે વીજ ઓવરલોડનું કારણ
હોવાનું ચર્ચાઈ રહ્યું છે.