• મંગળવાર, 04 ઑગસ્ટ, 2026

ચોટીલા પાસે અકસ્માતમાં જૈન સાધુ કાળધર્મ પામ્યા : વેપારીઓએ ધંધા-રોજગાર બંધ રાખ્યા

વહેલી સવારે વિહાર દરમિયાન અજાણ્યા વાહને ઠોકર મારી : મુંબઈ, રાજસ્થાન અને ગુજરાતભરમાંથી ગુરુભક્તો ઉમટયા

ચોટીલા, તા.28 : ચોટીલા-નેશનલ હાઈવે ઉપર મઘરીખડા નજીક જોલી એન્જોય પાસે વહેલી સવારે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. શાપર ઉપાશ્રય ખાતે રાત્રિ નિશ્રા પૂર્ણ કરી વહેલી સવારે 3 ટુકડીઓમાં ચોટીલા તરફ વિહાર કરી રહેલા દેરાવાસી જૈન સમાજના સુપ્રસિદ્ધ સાધુ મહારાજ પંન્યાસપ્રવર ૐકારશેખરવિજય મણિવર્ય મ.સા. (ઉંમર વર્ષ 51 , દીક્ષા પર્યાય 26 વર્ષ, પન્યાસપદ પર્યાય 6 વર્ષ)ને કોઈ અજાણ્યા વાહને જોરદાર ઠોકર મારી હતી. આ ઘટનામાં સાધુ મહારાજને             ગંભીર ઈજાઓ પહોંચતા ચોટીલા હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને કાળધર્મ પામેલા જાહેર કર્યા હતા.

સાધુ મહારાજના દેહત્યાગના સમાચાર વાયુવેગે પ્રસરતાં સમગ્ર જૈન શાસન અને જૈનેતર ધર્મપ્રેમી જનતામાં અરેરાટી સાથે શોકની કાલીમા છવાઈ ગઈ હતી. દિવ્ય ભગવંત પ્રત્યે આદર વ્યક્ત કરવા માટે ચોટીલા શહેરના તમામ વેપારીઓએ પોતાના ધંધા-રોજગાર સ્વયંભૂ સજ્જડ બંધ રાખી શ્રદ્ધાંજલિ અર્પી હતી. જૈન વિધિ-વિધાન મુજબ નશ્વર દેહને જૈન ભુવન ખાતે અંતિમ દર્શનાર્થે રાખવામાં આવ્યો હતો, જ્યાં હજારો ભાવિકોએ દર્શનાંજાલિનો લાભ લીધો હતો.

બપોર બાદ જૈન ભુવનથી બેન્ડવાજા અને જય જય નંદા, જય જય ભદ્દાના ગગનભેદી નાદ સાથે ભવ્ય પાલખી યાત્રા (વરઘોડો) નીકળી હતી. અંતિમ સંસ્કાર વિધિ માટે ધાર્મિક પરંપરા અનુસાર વિવિધ ઉછામણીઓ બોલાઈ હતી. ત્યારબાદ ચોટીલા મુળાવાવ ચામુંડા માતાજીના મંદિર નજીક અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

આ કાળધર્મની ઘટનાથી શોકાતુર બનેલા મુંબઈ વસતા મહારાજ સાહેબના સાંસારિક પરિવારજનો ઉપરાંત અનેક શહેરોના જૈન સંઘો, શ્રાવક-શ્રાવિકાઓ અને મુંબઈથી વિશાળ સંખ્યામાં ગુરુભક્તો ચોટીલા ખાતે દોડી આવ્યા હતા.

પદયાત્રીઓ માટે પગદંડી ક્યારે બનશે?

જૈન સાધુ-સાધ્વીજી ભગવંતો તેમજ વિવિધ ધાર્મિક સ્થળોએ શ્રદ્ધાભેર જતા લાખો પદયાત્રીઓ અવારનવાર હાઈવે પર અકસ્માતનો ભોગ બને છે. ભૂતકાળમાં સરકારના અનેક નેતાઓ દ્વારા હાઈવે પર પદયાત્રીઓ માટે ‘િવશેષ પગદંડ’ બનાવવાની જાહેરાતો કરવામાં આવી હતી, પરંતુ આ વાતો કાં તો વિસરાઈ ગઈ છે અથવા તંત્રમાં ગંભીરતાનો અભાવ વર્તાઈ રહ્યો છે, જેને લઈને લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

ઇ-પેપરના નવા શુલ્ક